વડોદરાના ભાયલીમાં હાઈ વોલ્ટેજથી વીજ ઉપકરણોને નુકસાન:AC, ફ્રીજ, TV, RO, પંખા સહિતના વીજ ઉપકરણો ખરાબ થઈ ગયા, વીજ પુરવઠો પણ ખોરવાયો, સ્થાનિકોમાં ભારે રોષ

Gujarat5/25/2026, 6:32:27 AM
વડોદરાના ભાયલીમાં હાઈ વોલ્ટેજથી વીજ ઉપકરણોને નુકસાન:AC, ફ્રીજ, TV, RO, પંખા સહિતના વીજ ઉપકરણો ખરાબ થઈ ગયા, વીજ પુરવઠો પણ ખોરવાયો, સ્થાનિકોમાં ભારે રોષ
વડોદરાના ભાયલી ગામમાં ગત રાત્રિના સમયે અચાનક હાઈ વોલ્ટેજ આવતા અનેક ઘરોમાં વીજ ઉપકરણોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાઈ વોલ્ટેજના કારણે ઘરોમાં લાગેલા એસી, ફ્રીજ, ટીવી, આર.ઓ. સિસ્ટમ, પંખા સહિતના વીજ ઉપકરણો ખરાબ થઈ ગયા છે. ખાસ કરીને ભાયલી ગામમાં સુથાર ફળિયું, રબારી ફળિયું, ખોડિયાર ચોક, કૂવાવાળું ફળિયું સહિતના અનેક વિસ્તારોમાં રહેવાસીઓને નુકસાન ભોગવવું પડ્યું છે. ઘટનાને પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. માહિતી મળતા જ એમજીવીસીએલની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ નુકસાન અંગે યોગ્ય વળતર આપવા તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે યોગ્ય તકેદારી રાખવાની માંગ કરી છે. ભાયલી ગામના રહીશ નિકુલ પરમારે જણાવ્યું હતું કે, અમારા ભાયલી ગામની અંદર સુથાર ફળિયું, ખોડિયાર ચોક, કૂવાવાળું ફળિયું અને રબારી ફળિયું આ ચાર ફળિયામાં આજે સવારે 8.30 વાગ્યાની આસપાસ લાઈટો ગઈ હતી. હવે આ બનાવ શોર્ટ સર્કિટના કારણે થયો છે કે, વાયરિંગના કારણે, તેની કોઈ પાકી જાણકારી અમને મળી નથી. વીજ કંપનીના માણસો આવ્યા હતા, અમે તેમની સાથે મૌખિક વાત પણ કરી પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમને ઘણું બધું નુકસાન થયું છે. આ ચાર ફળિયાની વાત કરું તો અમારે અહીં ઓછામાં ઓછું 600થી 700 લોકો રહે છે. અમે ઘરવપરાશ માટે, પાણી ચડાવવા માટે મોટર વાપરીએ છીએ, ઠંડુ પાણી પીવા માટે ફ્રિજ વાપરીએ છીએ તથા ગરમી માટે અમે એસી, પંખા અને કુલર વાપરીએ છીએ. હવે આ જે ઘરના વપરાશના સાધનો છે, તેમાં ઘણું બધું નુકસાન ગયું છે. ઘણા લોકોના ત્યાં એસી ફૂંકાઈ ગયા છે, ઘણા લોકોના ત્યાં પંખા બંધ થઈ ગયા છે અને ઘણા લોકોના ફ્રિજ બગડી ગયા છે. તમે હાલ મારી પાછળ જોઈ શકો છો, આ પાઈપથી અમે મોટર દ્વારા પાણી ચડાવીએ છીએ. એટલે કે નુકસાન આરામથી 4 થી 5 લાખ રૂપિયાનું થયું છે અમારે અત્યારે. તેઓએ ઉમેર્યું હતું કે, વીજ કંપની તરફથી અત્યારે કંઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. "જોઈશું, જોઈશું" એવું કહેતા હતા, અમને ખાલી એટલું જ કીધું છે. અમે તેમને પૂછ્યું પણ ખરું કે કયા કારણે આ બનાવ બન્યો છે અને ભૂલ કોની છે? પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે "થઈ જશે ચાલુ". ચલો, લાઈટો તો ચાલુ કરી આપી તેમણે અને વાયર પણ બદલી આપ્યો છે, પરંતુ એસી, ફ્રિજ, પંખા, ટીવી, આર.ઓ. આ બધી જ વસ્તુઓ અત્યારે બગડી થઈ ગયા છે.
Read Original Article →