નશામાં ધૂત રિક્ષાચાલકે મહિલા મુસાફરો સાથે ગાળાગાળી કરી:સયાજીગંજ પોલીસે રિક્ષાચાલક ગણતરીની કલાકોમાં ધરપકડ કરી, આરોપીએ કાન પકડીને માફી માંગી, વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરી

Gujarat6/5/2026, 8:29:09 AM
નશામાં ધૂત રિક્ષાચાલકે મહિલા મુસાફરો સાથે ગાળાગાળી કરી:સયાજીગંજ પોલીસે રિક્ષાચાલક ગણતરીની કલાકોમાં ધરપકડ કરી, આરોપીએ કાન પકડીને માફી માંગી, વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરી
વડોદરામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના આધારે સયાજીગંજ પોલીસે રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે. રીક્ષા ચાલકે મહિલા મુસાફરો સાથે ભાડાની બાબતે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. રિક્ષાચાલકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રીક્ષાચાલકે પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માગી હતી તપાસ દરમિયાન આરોપી નશાની હાલતમાં હોવાનું પણ બહાર આવ્યું છે. વડોદરા શહેરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં રિક્ષા નંબર GJ-06-BW-7208નો ચાલક મહિલા મુસાફરો સાથે ભાડાની બાબતે બોલાચાલી અને ઝઘડો કરી ગાળાગાળી કરતો જોવા મળ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. પંડ્યા અને સેકન્ડ પીઆઈ ડી.કે. ગમારાની સૂચના અનુસાર અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી રેલવે સ્ટેશનના આઉટ ગેટ નજીક પોતાની રિક્ષા સાથે મળી આવ્યો હતો. પોલીસે તેની ચકાસણી કરતાં તેણે દારૂ જેવા કેફી પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાયું હતું. ત્યારબાદ તેને સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ચિરાગ દિલીપભાઈ શર્મા (રહે. લક્ષ્મણ ભરવાડની ચાલી, કિશનવાડી, આજવા રોડ, વડોદરા)ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →