લિફ્ટ મેન્ટેનન્સનું કામ કરતી વખતે વીજ કરંટ લાગતા મોત:અટલાદરામાં 2 દિવસથી પરિવાર શોધતો હતો, ડી કમ્પોઝ બોડીને ફાયરબ્રિગેડે બહાર કાઢી

Gujarat5/19/2026, 4:13:12 AM
લિફ્ટ મેન્ટેનન્સનું કામ કરતી વખતે વીજ કરંટ લાગતા મોત:અટલાદરામાં 2 દિવસથી પરિવાર શોધતો હતો, ડી કમ્પોઝ બોડીને ફાયરબ્રિગેડે બહાર કાઢી
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી માધવનગર સોસાયટીના લિફ્ટ રૂમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ લિફ્ટ રૂમમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. બનાવને પગલે ગઇકાલે(18 મે) મોડી રાત્રે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. લિફ્ટ રૂમમાંથી લાશ મળી અટલાદરા વિસ્તારમાં આવેલી માધવનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફલેટમાં આવેલા લિફ્ટ રૂમમાં દુર્ગંધ મારતી હોવાની એક વ્યક્તિએ બૂમાબૂમ કરી હતી. જેથી લોકો ટેરેસ પર આવેલી લિફ્ટ રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં યુવકની લાશ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક અટલાદરા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ વડોદરા ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. લિફ્ટ મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કરંટ લાગ્યો પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વિજય અમરીશભાઈ સોલંકી માધવનગર સોસાયટીમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો છેલ્લા બે દિવસથી યુવકની શોધખોળ કરી રહ્યા હતા. યુવક લિફ્ટના મેન્ટેનન્સની કામગીરી કરતો હતો. તે સમયે તેને વીજ કરંટ લાગતા મોત થયું હતું. યુવકના લગ્ન થયેલા છે અને બે સંતાનો પણ છે. તે મુંબઈમાં સેટલ થયા બાદ પાંચ વર્ષ પહેલા વડોદરા રહેવા આવ્યો હતો. મૃતકની પત્નીના કહેવા પ્રમાણે બે દિવસ પહેલા વિજય જમીને બપોરે 3 વાગ્યે પક્કડ લઈને ઘરેથી નીકળ્યો હતો, ત્યારબાદ પાછો આવ્યો નહોતો. ફાયરબ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે અમને કોલ મળ્યો હતો કે, માધવનગર સોસાયટીમાં લિફ્ટની અંદર કોઈ કામગીરી દરમિયાન એક માણસ ફસાઈ ગયો છે. જેથી, જી.આઈ.ડી.સી. ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, લિફ્ટનો ઉપરનો ભાગ, જે ટેરેસ પર આવેલો હોય છે અને જ્યાં લિફ્ટનું મેન્ટેનન્સ થાય છે, ત્યાં એક માણસ લિફ્ટની મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન શોર્ટ સર્કિટ થવાના કારણે વીજ કરંટથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અત્યારે ફાયરના જવાનોએ મૃતદેહને તાત્કાલિક બહાર કાઢીને પોલીસને સોંપી દીધો છે. આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે. GEBની મદદથી ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરાવ્યું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંના સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ સ્થાનિક જ હતો. અહીંની જ કોઈ બહેને તેને જોયો હતો તેવી પણ માહિતી છે, પરંતુ આ બાબતે પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે. સાચી અને સચોટ માહિતી શું છે તે પોલીસ તપાસનો વિષય છે. ફાયર વિભાગે પ્રાથમિક તબક્કે GEBની મદદ લઈને ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરાવ્યું અને ત્યારબાદ મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે. બોડી ડી કમ્પોઝ થઈ ગઈ તેઓએ કહ્યું હતું કે, બોડી ડી કમ્પોઝ થઈ ગઈ છે, પણ બોડી ડીકમ્પોઝ થવાના ઘણા બધા કારણો હોય છે. જો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દરમિયાન 440 વોલ્ટ કે તેથી વધુનો હાઈ વોલ્ટેજ કરંટ લાગ્યો હોય, તો એ કરંટ શરીરની અંદરના ભાગોને ઘણું નુકસાન કરીને બહાર નીકળે છે.
Read Original Article →