હજારો વાહન ચાલકો માટે રાહતના સમાચાર:બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બંધ કરાયેલો અકોટા દાંડિયા બજાર બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો
અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર બુલેટ ટ્રેનની કામગીરીને લઈને 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. આજે આ કામગીરી પૂર્ણ થતા બ્રિજને આજથી ફરી ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેને કારણે હજારો વાહન ચાલકોને રાહત થઈ છે. વૈકલ્પિક રુટનું જાહેરનામુ બહાર પડાયું હતું
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે અકોટા-દાંડિયાબજાર રેલવે ઓવરબ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરી કરાઈ રહી છે. બ્રિજને 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બંધ કરાયો હતો. પોલીસ કમિશનરે અકોટા બ્રિજનો રોડ પ્રતિબંધિત કરી વૈકલ્પિક રૂટ જાહેર કરતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. જોકે બ્રિજ પર બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતા આજથી બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજથી જ અકોટા બ્રિજ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો
ACP ટ્રાફિક ડી એમ વ્યાસે જણાવ્યું હતું કે, ગત તારીખ 27ના રોજ અકોટા બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ નિર્ણય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અહીં મહત્વનું કામ ચાલી રહ્યું હતું, જે LT દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે આ કામગીરી માટે અમારી પાસે મંજૂરી માંગી હતી, જેના કારણે સુરક્ષા અને કામની ગતિને ધ્યાનમાં રાખીને બ્રિજ બંધ રખાયો હતો. આ કામ હવે પૂર્ણ થઈ ગયું છે. આથી આજથી જ અકોટા બ્રિજ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તે પૂર્વવત કાર્યરત થઈ ગયો છે.
Read Original Article →