કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પાણીનું ટેન્કર લઈ લોકો સુધી પહોંચ્યા:આજવા સરોવરની સપાટી ઘટતા અનેક વિસ્તારમાં જળસંકટ, લોકો હવે મોંઘું પાણી ખરીદવા મજબૂર

Gujarat6/6/2026, 11:04:32 AM
કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પાણીનું ટેન્કર લઈ લોકો સુધી પહોંચ્યા:આજવા સરોવરની સપાટી ઘટતા અનેક વિસ્તારમાં જળસંકટ, લોકો હવે મોંઘું પાણી ખરીદવા મજબૂર
વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆતથી જ કેટલાક વિસ્તારમાં દુષિત પાણી તો કેટલાક વિસ્તારમાં પૂરતું પાણી નહિ મળતું હોવાની બૂમો ઉઠી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પૂરતા દબાણ સાથે પાણી નથી મળતું. આ ઉપરાંત આજવા સરોવરમાં પાણી ઘટી જતા કેટલાક વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. દરમિયાન શહેરના વોર્ડ 14ના કોંગ્રેસના કોર્પોરેટર જાતે ટ્રેક્ટર ચલાવી ટેન્કર મારફતે લોકોને પાણી પહોંચાડવા ગયા હતા. આજવા સરોવરની સપાટી 206 ફૂટ થતા સમસ્યા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરું પાડતા આજવા સરોવરની જળસપાટી ચિંતાજનક રીતે ઘટીને 206 ફૂટ પર પહોંચી ગઈ છે, જેના કારણે સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણીનો ઉગ્ર કકળાટ અને હાહાકાર સર્જાયો છે. આગામી દિવસોમાં ચોમાસાના નિયમિત વરસાદનો પ્રારંભ થવાનો હજી બાકી છે, ત્યારે ચાલુ ઉનાળાની સિઝનમાં સરોવરના તળિયા દેખાવા લાગ્યા છે. સપાટીમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે કોર્પોરેશનને મળતી પાણીની આવક ઘટી ગઈ છે. કોર્પોરેશન દ્વારા 10 થી 15 મિનિટનો આડકતરી રીતે કાપ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આડકતરી રીતે પૂર્વ વિસ્તારમાં રોજિંદા પાણીના વિતરણમાં 10 થી 15 મિનિટનો કાપ ઝીંકી દેવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે. અગાઉ લોકોને જે એક કલાક પાણી મળતું હતું, તેને બદલે હવે માત્ર અડધો કલાક અને તે પણ અત્યંત ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવી રહ્યું છે, જેથી ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. કચેરીઓ અને તંત્રની ઉદાસીનતાને કારણે પૂર્વ વિસ્તારના અનેક પરિવારોને નાછૂટકે મોંઘા ભાવના પ્રાઇવેટ ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. લોકોએ પૈસા ખર્ચીને પાણીના જગ અથવા ટેન્કર મંગાવ્યા કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં તો ઓછા પ્રેશરની સાથે કલરવાળું અને ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે, જેના લીધે રોગચાળાના ભયથી ગરીબ પરિવારોને પણ પીવા માટે નાણાં ખર્ચીને પાણીના જગ વેચાતા લેવા પડી રહ્યા છે, જે તેમના પર મોટો આર્થિક બોજ સમાન છે. કોર્પોરેશનના ટેન્કરોની માંગમાં તોતિંગ વધારો થયો છે પરંતુ તંત્ર પૂરતા ફેરા કરી શકતું નથી. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ટ્રેક્ટર ચલાવી પાણી લઇ પહોંચ્યા આ જળસંકટ વચ્ચે ગઈકાલે કોંગ્રેસના વોર્ડ નંબર 14 ના બે સક્રિય કોર્પોરેટરો તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ ગાજરાવાડી પાણીની ટાંકી ખાતે રૂબરૂ દોડી ગયા હતા. ત્યાં તપાસ કરતા માલૂમ પડ્યું કે વાઘોડિયા રોડ સ્થિત ચંદ્રપ્રભા નગરની વસાહતમાં પાણી પહોંચાડવાની તંત્ર પાસે કોઈ વ્યવસ્થા ન હતી. આથી જનતાની પીડા જોઈ રહેલા મહિલા કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવે કોન્ટ્રાક્ટર પાસેથી સરકારી ટેન્કર મેળવી લીધું હતું અને પોતે જાતે ટ્રેક્ટરનું સ્ટીયરીંગ સંભાળી, ટ્રેક્ટર ચલાવીને ચંદ્રપ્રભા નગર વસાહત ખાતે પહોંચ્યા હતા અને લાઈનોમાં ઉભેલા લોકોને પાણી પૂરું પાડીને રાહત આપી હતી.
Read Original Article →