વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત:પીકઅપની પાછળ ઇકો કાર ઘૂસતા આગ ભભૂકી, ચાલક જીવતો સળગ્યો, 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પીકઅપ વાહનની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતાં કારમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓમાં કારચાલક જીવતો સળગી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક આજે સાંજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગળ જઈ રહેલી પીકઅપ વાનની પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ ઇકો કારમાં તુરંત આગ ભભૂકી ઊઠી હતી. અકસ્માત બાદ ઇકો કારના ચાલકને બહાર નીકળવાનો સમય ન મળતાં તે આગની જ્વાળાઓમાં જીવતો સળગી ગયો હતો. આગના કારણે ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત અને આગના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન, ભાદરવા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
Read Original Article →