કરોડોની છેતરપિંડી આચરનાર વધુ એક ઝડપાયો:સસ્તામાં સોનું અને લોન આપવાના બહાને 4.92 કરોડની ઠગાઈ, અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે સસ્તા દરે સોનું આપવા અને લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપી લોકો સાથે 4.92 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગના વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો?
વર્ષ 2025માં ગેંડા સર્કલ સ્થિત ‘રાધે એન્ટરપ્રાઈઝ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ એન્ડ ફાયનાન્સ’ નામની ઓફિસના નામે આ ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને બજાર ભાવ કરતા સસ્તા દરે સોનું આપવાની લાલચ આપી રૂપિયા 4,61,50,000 મેળવ્યા હતા. આ ઉપરાંત, રૂપિયા 10 કરોડની લોન અપાવવાના બહાને કમિશન પેટે વધારાના રૂપિયા 31,00,000 પડાવી લીધા હતા. સોનું કે લોન ન મળતા અને આરોપીઓ રકમ લઈને ફરાર થઈ જતા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં કુલ રૂપિયા 4.92 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. મુખ્ય આરોપી સહિત પાંચની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં જ અલ્કેશ દિલીપરાવ ચીપલે (રહે. કારેલીબાગ, વડોદરા)ની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં ઈલ્યાસખાન અજમેરી નામના મુખ્ય આરોપી સહિત કુલ ચાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય આરોપીનું ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી ઈલ્યાસખાન અજમેરી એક રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ વડોદરાના રાવપુરા, સયાજીગંજ, જે.પી. રોડ, અટલાદરા અને ક્રાઈમ બ્રાન્ચ (DCB) સહિતના અનેક પોલીસ મથકોમાં છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓ માત્ર વડોદરા પૂરતી મર્યાદિત ન રહેતા છોટાઉદેપુર, જેતલપુર અને કર્ણાટકના બેંગલોર સુધી ફેલાયેલી છે. તે દેશના વિવિધ રાજ્યોમાં લોકોને સસ્તા સોનાની લોભામણી લાલચ આપી કરોડો રૂપિયા પડાવવાનું નેટવર્ક ચલાવતો હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપી અલ્કેશ ચીપલેની સઘન પૂછપરછ હાથ ધરીને અન્ય કોઈ સંડોવાયેલા વ્યક્તિઓ કે ગેંગના નેટવર્ક વિશે તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →