આજવાની સપાટી ઘટી:એક સપ્તાહથી વાઘોડિયા રોડ સહિત પૂર્વ વિસ્તારમાં 15 મિનિટનો અઘોષિત પાણીકાપ
આજવા સરોવરની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની અસર પૂર્વ અને દક્ષિણમાં વસતા 10 લાખ લોકો પર પડી રહી છે. ગ્રેવિટીથી પાણી ઓછું મળતું હોવાથી પૂર્વ વિસ્તારમાં વોર્ડ 5, 6, 14, 15 સહિતના વોર્ડમાં 15 મિનિટનો અઘોષિત કાપ મૂકવામાં આવ્યો છે. આધારભૂત સૂત્ર મુજબ ખોડિયારનગર, વાઘોડિયા રોડ, આજવા રોડ, વારસિયા, પાણીગેટ, વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ સહિતના વિસ્તારમાં આજવા સરોવર અને મહીસાગરથી પાણી આપવામાં આવી રહ્યું છે. આજવા સરોવરથી રોજ 14.5 કરોડ લિટર પાણી લેવામાં આવે છે. હાલમાં સપાટી ઘટીને 206.7 ફૂટ પર પહોંચતાં ગ્રેવિટીથી આવતા પાણીમાં 50 લાખથી 1 કરોડ લિટર પાણીનો ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 15 મિનિટનો અઘોષિત કાપ મૂકવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેને કારણે ટેન્કરોથી પાણી આપવાની દોડધામ શરૂ થઈ છે. બીજી તરફ વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ પાણીની સમસ્યાને પગલે આજવા સરોવર પહોંચ્યાં હતાં અને લેવલ ઘટતાં નર્મદાનું પાણી કચ્છ સુધી મોકલાય છે તો વડોદરાને પણ પાણી મળે તેવી માગ કરી હતી. પૂરઝડપે ફૂંકાયેલા પવનને પગલે ફ્રેન્ચવેલ પર વીજ પુરવઠો ખોરવાયો, ગોરવા-છાણી-કારેલીબાગમાં પાણી ઓછું પહોંચ્યું
સોમવારે મોડી રાત્રે પૂરઝડપે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે મહીસાગર નદી પરના પોઇચા, ફાજલપુર, રાયકા અને દોડકાનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે દરેક ફ્રેન્ચવેલ પર કેટલાક પંપ બંધ રહ્યા હતા. પૂરતા પંપ ચાલુ ન હોવાથી પાણીનો જથ્થો શહેર તરફ મોકલી શકાયો ન હતો. જેને પગલે બે દિવસથી ગોરવા, સમા, છાણી અને કારેલીબાગ સહિતના વિસ્તારમાં આવેલી ટાંકી પર પાણી ઓછું પહોંચ્યું હતું. ટાંકી પર જ સંપનું લેવલ જળવાતું ન હોવાથી આ વિસ્તારના લોકોને ઓછા પ્રેશરથી પાણી મળ્યું હોવાની ફરિયાદો ઊઠી છે. આજવા રોડની ટાંકીનો વાલ્વ બગડતાં પાણીગેટ અને ખોડિયારનગરના લોકોને રાત્રે 9ઃ30 કલાકે પાણી મળ્યું
આજવા રોડ ટાંકી પર લાઈનમાં મૂકેલો વાલ્વ ખરાબ થયો હતો. જેને પગલે તેની 4 કલાક મરામત કરાઈ હતી. વાલ્વ ખરાબ થતાં જ સાંજે પાણી વિતરણ કરવાના સમયે પાણીગેટ, ખોડિયારનગર સહિતના વિસ્તારમાં પાણી વિતરણ કરી શકાય એવું ન હતું, જેને કારણે બૂમો ઊઠી હતી. જોકે મોડી રાત્રે 9:30 વાગ્યે આજવા રોડ પાણીની ટાંકીથી પાણી વિતરણ કરાયું હોવાની માહિતી મળી હતી.
Read Original Article →