કાર્યવાહી:જશોદાનગરમાં દારૂ વેચી રહેલા બે બૂટલેગરો પકડાયા, કુખ્યાત જીતુ સહિત 4 વોન્ટેડ જાહેર
શહેર પોલીસની એલ.સી.બી.ઝોન-3 ટીમે મકરપુરા વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે જશોદાનગર ચંચળબાનગર સામે ભાથુજીનગરની ગલીમાં દરોડો પાડીને 2 જણાને ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ રૂપિયા રૂ.2.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. એલસીબી ઝોન-3ની ટીમને બાતમી મળી હતી કે, મકરપુરા જશોદાનગર ખાતે રહેતો સુરેશ ઉર્ફે કાંચો થાપા પોતાના મળતીયા માણસો સાથે રાખીને ભાથુજીનગરની ગલીમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસ તાત્કાલિક દરોડો પાડીને બે જણાને પકડી પાડ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ ઉપરથી રૂ.97 હજારનો દારૂ પકડી પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ ઉપરથી સુરેશ ઉર્ફે કાંચો ટેકબાહદુર થાપા અને રાજન મુળજીભાઇ પટેલ (રહે. આમોદ, ભરૂચ). પકડાયા હતા, જ્યારે પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલીદાસ પાટણવાડીયા (રહે, મકરપુરા), રુપેશ કેન્દુલકર, અજય ઠાકોર ઉર્ફે કેરી અને અજય પંચાલ ઉર્ફે લાલોને વોન્ટેડ જાહેર કર્યા હતા. બૂટલેગર જીતેન્દ્ર પાટણવાડિયાએ પોલીસ કારમાં જીપીએસ લગાવી નજર રાખે છે કહી વિવાદ કર્યો હતો
બૂટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ પાટણવાડીયા સામે અગાઉ 21 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કેસમાં પોલીસે પકડેલા બે આરોપીના ફોનમાંથી મહત્ત્વની સોશિયલ મીડિયા ચેટ મળી હતી. પોલીસે તેના સ્ક્રિનશોટ પણ પૂરાવામાં જોડ્યા હતા. તેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ સુરેશને દારૂ મોકલતો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ જીતુ પોલીસ કમિશનર પાસે ગયો હતો અને પોલીસ તેની કારમાં જીપીએસ લગાવીને નજર રાખે તે સહિત આરોપ કર્યા હતાં.
Read Original Article →