એઆઈ વીડિયો વાયરલ કરવાની ધમકી:હેર સલૂનના સંચાલકને ધમકાવી રૂ.20 હજાર ખંડણી માગનાર યુવક સામે ગુનો

Gujarat5/23/2026, 12:25:30 AM
બની બેસેલા પત્રકાર મકરપુરાના વિજય મકવાણા સામે વધુ એક ગુનો નોંધાયો હતો. મિત્રની વ્યાજની ઉઘરાણી સાથે હેર સલુન સંચાલકની દુકાનનો એઆઈ મારફતે વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી તેને રૂ.20 હજારની ખંડણી માગી હતી. તરસાલી અંબિકા નગર ખાતે રહેતા વિજય પારેખ તરસાલી તળાવ નજીક સાંઈનાથ ચેમ્બર્સમાં વીપી હેર સલુન ચલાવે છે. અગાઉ તે તરસાલી રોડ સોમનાથ નગરમાં રહેતા સુધીર ભગવાન ભધાણેને ત્યાં નોકરી કરતા હતા. થોડા સમય બાદ વિજયભાઈએ સુધીરની નોકરી છોડી પોતે સલુનની દુકાન શરૂ કરી હતી. વિજયભાઈ સુધીર પાસે નોકરી કરતા હતા, ત્યારે તેમને રૂ.35 હજાર લીધા હતા. જોકે સુધીર રૂ.35 હજાર સામે રૂ.71 હજારની માગણી કરવા લાગ્યો હતો. સુધીર વિજયભાઈની દુકાને જઈને રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપતો હતો. સુધીર મારા મિત્ર વિજય દેવેન્દ્ર મકવાણા(રહે, ગીતાંજલી ફ્લેટ, મકરપુરા)ને કહીને ન્યૂઝમાં તારુ ખોટુ છપાવીને ધંધો બંધ દઉ છું તેવી ધમકી આપતો હતો. ત્યારે વિજય મકવાના વિજયભાઈની દુકાને ગયો હતો અને સુધીરને રૂપિયા આપી દો, નહીં તો દુકાનનો એઆઈ મારફતે વીડિયો બની ગયો છે. તારી દુકાનના વીડિયો વાયરલ નહીં કરવાના મને અલગથી રૂ.20 હજાર આપી દે, તેમ કહેવા લાગ્યો હતો. જોકે ત્યારબાદ તેને વીડિયો વાયરલ કરી દીધો હતો. મકરપુરા પોલીસે બે સામે ગુનો નોંધ્યો હતો.
Read Original Article →