ચાલુ પરીક્ષામાં અધ્યાપકોની ચૂંટણીની કામગીરી સોંપાઇ:હોમ સાયન્સ, લો ફેકલ્ટીના ડીન સહિત અધ્યાપકોને ચૂંટણીના ઓર્ડર, રજિસ્ટ્રારે ફરજમુક્તિનો પત્ર લખ્યો

Gujarat4/10/2026, 12:33:34 AM
મ.સ.યુનિ.ના 500થી વધુ અધ્યાપકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. હોમ સાયન્સ અને લો ફેકલ્ટીના ડીન સહિતના સિનિયર અધ્યાપકોને પણ ચૂંટણી ફરજના ઓર્ડર અપાયા છે. જોકે, યુનિ.માં હાલ પરીક્ષાઓ ચાલતી હોવાથી રજિસ્ટ્રારે અધ્યાપકોને આ ફરજમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. અધ્યાપકો ઉપરાંત તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓને પણ ચૂંટણીલક્ષી ઓર્ડર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે યુનિ.ના અધ્યાપકોને ચૂંટણીની કામગીરી સોંપાઈ છે. તમામ ફેકલ્ટીઓમાં ઓર્ડરની કોપી મળતાની સાથે જ તે કેન્સલ કરાવવા માટે અધ્યાપકો ડીન પાસે દોડી ગયા હતા. અગાઉની ચૂંટણીઓના ડેટાના આધારે આ ઓર્ડર કરવામાં આવ્યા છે. હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન સહિતના સિનિયર અધ્યાપકોને પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની જવાબદારી અપાઈ છે. મહિલા અધ્યાપકોને પોલિંગ એજન્ટનું કામ સોંપાયું છે. નોન-ટીચિંગ સ્ટાફને ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની કામગીરી સોંપાઈ છે. રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ ચૂંટણી અધિકારીને પત્ર લખીને અધ્યાપકોને ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે. તેમજ જે-તે ફેકલ્ટીના ડીને પણ વ્યક્તિગત રીતે પત્ર લખીને પ્રક્રિયામાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. સંસ્કૃત મહાવિદ્યાલયના 2 અધ્યાપકને 2 ડ્યૂટીના ઓર્ડર અપાયા સંસ્કૃત મહાવિદ્યાલયના બે અધ્યાપકોને ઝોનલ અને પ્રિસાઇડિંગ એમ બંને ડ્યુટીના ઓર્ડર અપાયા છે. એક સાથે બે કામગીરી સોંપાતા અધ્યાપકો મૂંઝવણમાં મુકાયા છે કે કઈ ફરજ બજાવવી. સંસ્કૃત મહાવિદ્યાલયના કુલ 3 કાયમી અધ્યાપકોમાંથી 2ને ચૂંટણી ઓર્ડર મળતા હવે કોલેજનું સંચાલન કેવી રીતે કરવું તે પ્રશ્ન પણ ઊભો થયો છે. મોટી સંખ્યામાં સ્ટાફ ચૂંટણીમાં જશે તો પરીક્ષા ખોરવાશે યુનિ.માં હાલ પરીક્ષાઓને સમય છે. જો આટલી મોટી સંખ્યામાં સ્ટાફ ચૂંટણીમાં જશે તો શૈક્ષણિક કાર્ય ખોરવાશે. અમે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને શૈક્ષણિક હિતમાં સ્ટાફને મુક્ત કરવા રજૂઆત કરી છે. > કે.એમ. ચુડાસમા, રજિસ્ટ્રાર, મ.સ.યુનિ. કોન્ટ્રાક્ટ કર્મીને પણ ઓર્ડર, હવે પટાવાળા પણ નહીં મળે યુનિ.ની આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં વહીવટી કામકાજ સંભાળતા તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓર્ડર આપી દેવાયા છે. આમાં 11 મહિનાના ફિક્સ પગાર પર કામ કરતા પટાવાળાઓનો પણ સમાવેશ થાય છે. આ સ્ટાફ વગર, વહીવટી સંચાલન કોણ કરશે?
Read Original Article →