પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની ઉપાસનાનો મહિમા:અધિક માસનો કાલથી પ્રારંભ હવેલી-મંદિરોમાં હિંડોળા કરાશે
રવિવારને 17 તારીખથી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શનિ મહારાજના સમયમાંથી પસાર થઈ રહેલી દુનિયામાં યુદ્ધ, આગ સહિત અનેક સંકટોનો સામાન્ય માણસ સામનો કરી રહ્યા છે ત્યારે શનિની કૃપા મેળવવા માટે પણ પુરુષોત્તમ મહિનામાં ભગવાન વિષ્ણુનું પૂજન લાભદાયી રહેશે. અધિક મહિનો અને શનિ મહારાજનું રેવતી નક્ષત્રમાં ભ્રમણ, આ બંનેના સમન્વયથી આ મહિનો દાન-પુણ્ય માટે તેમજ ધાર્મિક પ્રવાસ માટે ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવે છે. આ સાથે વૈષ્ણવ હવેલીઓમાં 17મીથી હિંડોળા સહિત વિવિધ મનોરથ કરાશે, જે આખો મહિનો ચાલશે. અધિક મહિનામાં કરાવતું દાન-પુણ્ય અને કોઈ પણ દેવની ઉપાસના એ ભગવાન વિષ્ણુને અર્પણ થતી હોય છે. આ મહિનામાં વિષ્ણુયાગ, પુરુષોત્તમ યાગનું મહાત્મ્ય છે. જો સામાન્ય માણસ પાસે વ્યવસ્થા ન હોય તો ભગવાન વિષ્ણુના નામનો જાપ કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી શકે છે. 17મીએ શનિ મહારાજનો રેવતી નક્ષત્રમાં પ્રવેશ થશે રેવતી નક્ષત્ર બુધના અધિકારમાં આવેલું અંતિમ નક્ષત્ર છે, જે પૂર્ણતા, કર્મફળ, યાત્રા, અધ્યાત્મ અને નવા ચક્રની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. શનિ મહારાજ જ્યારે રેવતીમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનમાં અધૂરાં કાર્યો પૂર્ણ કરાવવાનું, જૂનાં કર્મોનું ફળ અપાવવાનું અને માનવ જાતને શિસ્ત તથા જવાબદારી તરફ દોરવાનું કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જૂનાં ગઠબંધનો તૂટે અને નવા સંબંધો ઊભા થાય તેવી શક્યતા રહેશે.
Read Original Article →