ફાયરબ્રિગેડે કાચ તોડીને બાળકને બહાર કાઢ્યો:અલકાપુરીમાં કારનો દરવાજો લોક થતાં 3 વર્ષનો બાળક 1 કલાક સુધી ફસાયો
અલકાપુરીમાં શનિવારે 3 વર્ષનું બાળક કારમાં ફસાયું હતું. પિતા કારમાંથી નીકળ્યા બાદ પાછલી સીટ પર બેસેલા પુત્રને કાઢવા દરવાજો ખોલવા ગયા, પણ તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ચાવી કારમાં રહી જતાં દરવાજો લોક થઇ ગયો હતો. ફાયરબ્રિગેડે કાચ તોડી 1 કલાકે બાળકને કાઢ્યો હતો. અમદાવાદના રહીશ પુત્ર સાથે કામસર વડોદરા આવ્યા હતા. તેઓ શનિવારે બપોરે 12 વાગ્યે અલકાપુરી પેટ્રોલપંપ સામેના મોલમાં ગયા ત્યારે ઘટના બની હતી. તેમણે દરવાજો ખોલવા પ્રયાસ કર્યા પણ ન ખૂલતાં ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. લાશ્કરોએ કાચ તોડીને પુત્રને હેમખેમ બહાર કાઢ્યો હતો. શક્ય હોય તો ડુપ્લિકેટ ચાવી હાથવગી રાખવી
કારનો દરવાજો અંદરથી લોક થઇ જાય અને બાળક હોય તો સામાન્ય સંજોગોમાં ઝડપથી કાચ તોડવો જોઇએ. કારણ કે એસી બંધ હોય ત્યારે બાળકની સલામતી સૌથી મોટી પ્રાયોરિટી હોય છે. આ અંગે ઓટો એક્સપર્ટ મનોજ ઠાકરે કહ્યું કે, તમે બે કારમાં પ્રવાસે નીકળ્યા હોવ તો એક કારની ડુપ્લિકેટ ચાવી બીજી કારમાં, એ રીતે ક્રોસ રાખવી જોઇએ.
Read Original Article →