સ્વીકાર:5 વર્ષમાં શહેરની ઇમેજ બહુ વધારે ડેમેજ થઇ, જેની સામે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કર્યુંઃ લાખાવાલા

Gujarat4/12/2026, 12:00:00 AM
સ્વીકાર:5 વર્ષમાં શહેરની ઇમેજ બહુ વધારે ડેમેજ થઇ, જેની સામે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કર્યુંઃ લાખાવાલા
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ સ્વીકાર્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં વડોદરા શહેરની છબીને વ્યાપક નુકસાન થયું છે, જેની સામે ભારતીય જનતા પાર્ટીએ સખત નિર્ણય લઈને ‘ડેમેજ કંટ્રોલ’ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં જો આવી કોઈ સ્થિતિ સર્જાશે તો તેઓ પોતે દખલગીરી કરીને પક્ષ સમક્ષ રજૂઆત કરશે. શહેરના વાડી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ નિખાલસપણે કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જે પ્રકારનું શાસન ચાલ્યું, તેની સામે પક્ષે કડક વલણ અપનાવ્યું છે. પક્ષની જે છબી ખરડાઈ હતી તેને સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે, વડોદરાની જનતા જાહેર થયેલા તમામ ઉમેદવારોનો સ્વીકાર કરશે અને ભાજપને જંગી બહુમતીથી વિજય અપાવશે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર અગાઉની જેમ ફરી ધબકતું થશે. આ વખતે અમે પોતે સક્રિય રહીશું. જો સારું કાર્ય થશે તો તેને બિરદાવીશું. છેલ્લાં પાંચ વર્ષમાં જે કંઈ પણ બન્યું તે અંગે અમે યોગ્ય સ્તરે રજૂઆતો કરી જ હતી. હવે જે નુકસાન થયું છે તેને સુધારીને આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. વર્ષ 2006માં મારા બંગલમાં મળેલી બેઠકમાં ‘નો રિપીટ થીયરી’નો નિર્ણય લેવાયો હતો:પૂર્વ મંત્રી પૂર્વ મંત્રીએ કહ્યું કે, 2006માં હું શિક્ષણ-પ્રોટોકોલ મંત્રી હતો ત્યારે મારા બંગલે શહેરના ઉમેદવારો નક્કી કરવા બેઠક મળી હતી. રાત્રે 2 વાગ્યા સુધી મંથન ચાલ્યું છતાં નામો પર સહમતી ન થઈ. અંતે ‘સાહેબે’ સૂચના આપી કે ઉકેલ ન આવતો હોય તો દરેક બેઠક માટે 3-3 સભ્યોની પેનલ બનાવો. અમે પેનલ બનાવી સવારે 9 વાગ્યે સુપરત કરી. તે પછી પક્ષે જે ઐતિહાસિક નિર્ણય કર્યો તે ‘નો રિપીટ થીયરી’ નો હતો. 20 વર્ષે મને એ ઘટના યાદ આવી રહી છે.
Read Original Article →