ભાજપમાં ભડકો:લાખાવાલાના નિવેદનને વિધાનસભાના દંડકે ફગાવ્યું કહ્યું,પાર્ટીએ તેમને નિવેદનની જવાબદારી નથી આપી

Gujarat4/13/2026, 12:52:31 AM
પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ 5 વર્ષમાં શહેરની ઈમેજ વધુ ખરાબ થઈ છે, તેવું નિવેદન આપતાં ભાજપમાં ભડકો થયો છે. વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લે આ તેમનું અંગત નિવેદન ગણાવ્યું હતું. પાર્ટીએ તેમને આ પ્રકારનું નિવેદન કરવા માટે કોઈ પણ જવાબદારી નથી આપી, તેમ કહી તેમણે ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદનને ફગાવ્યું હતું. શહેર ભાજપમાં ચાલતી રાજકીય ખેંચતાણ, જૂથબંધીના કારણે શહેરનો વિકાસ ઘટ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલાએ ભૂતકાળમાં શહેરની દશા માટે ભાજપના નેતાઓને અરીસો બતાવતાં ભડકો થયો છે. તેઓએ કહ્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં શહેરની ઈમેજ બહુ વધારે ડેમેજ થઈ છે. આ વખતે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવા ઉમેદવારો ઉતાર્યા છે. પૂર્વ મંત્રીની નિખાલસ કબૂલાતને પગલે શહેર ભાજપ સંગઠનના પૂર્વ હોદ્દેદારો અને પાલિકાના પદાધિકારીઓ સામે આંગળીઓ ચિંધાઈ છે. જેને પગલે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદનને અંગત નિવેદન ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટીએ તેમને આ પ્રકારના નિવેદન આપવા માટેની કોઈ જવાબદારી સોંપી નથી. તેઓએ મર્યાદામાં રહીને આવી વાત બોલવી જોઈતી હતી. તેમના બોલવાથી કોઈ કાર્યકર્તાઓને કોઈ અસર નહીં થાય. તેમણે કોઈ પાર્ટી વિરુદ્ધ કામગીરી નથી કરી, આ તેમનો વ્યક્તિગત વિષય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપની ટિકિટ જાહેર થતાં જ વોર્ડ 14નાં વાડી વિસ્તારમાંથી મરાઠી મહિલાઓને ટિકિટ નહીં મળી હોવાની ફરિયાદ સાથે કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વોર્ડ 1, 3, 16, 18 તેમજ 19માં પણ ભારે નારાજગી જોવા મળી હતી. વોર્ડ નંબર 14માં પાટડિયાની ટિકિટ કપાતાં, અંકિતા સોનીને ટિકિટથી કાર્યકરોમાં નારાજગી વોર્ડ નંબર 14માં કાઉન્સિલર સચિન પાટડિયાની ટિકિટ કપાતાં ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકરો પાર્ટીથી ભારે નારાજ છે. બીજી તરફ વોર્ડમાં અંકિતા સોનીને ટિકિટ આપવામાં આવતાં તેમની ઉમેદવારી સામે પણ વિરોધનો વંટોળ સર્જાયો થયો છે. જોકે પાર્ટીની શિસ્તના નામે કાર્યકરો જાહેરમાં બહાર આવી રહ્યા નથી.
Read Original Article →