સોલિડ વેસ્ટ વિભાગની કડક કાર્યવાહી:બોરિયા તળાવ પાસે કાટમાળ ઠાલવતા ટ્રેક્ટરો ઝડપાતાં રૂ. 50 હજાર દંડ કરાયો
તાજેતરમાં જ શહેરના દંતેશ્વરમાંથી પસાર થતી રૂપારેલ કાંસની આસપાસ કાટમાળ ઠાલવવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે વોર્ડ 8માં આવેલા કરોડિયા વિસ્તારના બોરિયા તળાવ પાસે કાટમાળ ઠલવાતા ટ્રેક્ટરને ઝડપી લઈ રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. કરોડિયા ગામના બોરીયા તળાવ પાસે ગેરકાયદેસર રીતે બાંધકામનો કાટમાળ ઠલવાતો હોવાની પાલિકાની ટીમને ફરિયાદ મળી હતી. આ દરમિયાન ટીમે સ્થળ પર ગેરકાયદેસર કાટમાળ ખાલી કરતા ટ્રેક્ટરોને રંગેહાથ ઝડપી લીધા હતા. ટીમ દ્વારા સ્થળ પર જ કુલ રૂ. 50 હજારનો દંડ ફટકારી વસૂલાત કરવામાં આવી હતી. પાલિકાએ અનેકવાર નદી અને કાંસની આસપાસ કાટમાળ નહીં ઠાલવવા માટેની અપીલ કરી છે. તેમ છતાં, શહેરના કેટલાક લોકો દ્વારા વિશ્વામિત્રી નદી અને તળાવોના કિનારે ગેરકાયદેસર કચરો ઠાલવવામાં આવે છે. પાલિકાની ટીમે આ બાબતે ટીમો ગોઠવીને જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન રૂ. 16.22 લાખનો દંડ વસૂલ કર્યો હતો.
Read Original Article →