પાલિકા-પોલીસનું ઓપરેશન:સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાગુ: હવે માત્ર સાંજે 7 થી 11 વાગ્યા સુધી જ લારી-ગલ્લા ચલાવી શકાશે, 14 મુખ્ય માર્ગ ‘નો-વેન્ડિંગ ઝોન’ જાહેર

Gujarat6/4/2026, 12:00:00 AM
શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને માર્ગો પર થતી ગંદકીના કાયમી ઉકેલ માટે પાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટનો અમલ શરૂ કરી 14 રોડ પર લારી-ગલ્લા અને પથારા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે સાંજે 7થી રાતે 11 સુધી લારી-પથારા મૂકી વેપાર કરી શકાશે. મ્યુ. કમિશનરે સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ-2014ના પ્રકરણ-3ના નિયમ-14 હેઠળ જાહેર નોટિસ પ્રસિદ્ધ જણાવ્યું છે કે, ટાઈમ શેરિંગ પદ્ધતિ લાગુ કરાઈ છે. જે અંતર્ગત લારી-ગલ્લા અને પથારાવાળા સાંજે 7થી રાતે 11 વાગ્યા સુધી વેપાર કરી શકશે. તે પછી તમામે લારી-સામાન હટાવી જગ્યા ખુલ્લી અને સાફ કરવાની રહેશે.તેનું ઉલ્લંઘન થશે તો દબાણ શાખા સામાન જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી કરશે. ટ્રાફિકને હળવો કરવા પાલિકા-પોલીસે સાથે મળી પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં મુખ્ય 14 માર્ગો પર લારી-ગલ્લા મૂકવા પર કાયમી પ્રતિબંધ મૂક્યો છે. આ રોડ પર લારી-ગલ્લા-પથારા નહીં લાગે 1 એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજથી અટલ બ્રિજથી અક્ષરચોક 2 ચકલી સર્કલથી ગોત્રી તળાવથી કેનાલ (સેવાસી પોલીસ સ્ટેશન) 3 યોગ સર્કલ (હેવમોર)થી અકોટા દાંડિયા બજાર બ્રિજથી શનિ મંદિર ચાર રસ્તા 4 સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી આજવા ચોકડી (કાન્હા સિટી) 5 એરપોર્ટ સર્કલથી ગોલ્ડન ચોકડી 6 વૃંદાવન ચોકડીથી વાઘોડિયા હાઈવે (બાપોદ) 7 સોમા તળાવથી કપુરાઈ ચોકડી 8 નરહરિ સર્કલથી કાલાઘોડા જેલ રોડથી ખંડેરાવ માર્કેટ 9 સુશેન ચાર રસ્તાથી જાંબુવા હાઈવે 10 સુશેન ચાર રસ્તાથી શ્રેયસ સ્કૂલ 11 યોગ સર્કલથી કેનાલ ચાર રસ્તા (પ્રિયા ટોકિઝ) 12 ડીલક્ષ સોસાયટી ચાર રસ્તા - મહેસાણા નગર સોસાયટી - નવરચના સ્કૂલ - નાનુભાઈ ટાવર - GIPCL સર્કલ - મંગલ પાંડે રોડ - રાત્રીબજાર એલએન્ડટી સર્કલ 13 કોઠી ચાર રસ્તાથી જ્યુબિલીબાગ સર્કલ તેમજ સુરસાગર આસપાસનો વિસ્તાર 14 ખોડિયારનગર ચાર રસ્તાથી સુપર બેકરી, ન્યૂ વીઆઇપી રોડથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા લારી સિવાય ખુરશી-ટેબલ, શેડ દૂર કરવાં પડશે પોલીસ વિભાગના જાહેરનામા મુજબ તમામ ચાર રસ્તા કે જંક્શનથી 30 મીટરની ત્રિજ્યામાં લારી-ગલ્લા અને દબાણ હટાવવાનાં રહેશે. વાહનોની સરળ અવર-જવર માટે દરેક સર્કલ-જંક્શન પર ડાબી બાજુનો રસ્તો ખુલ્લો રખાશે. વળાંક પર નવા ડિવાઇડર, ફ્લેક્સિબલ બોલાર્ડ કે સ્પ્રિંગ પોસ્ટ લગાડાશે. સ્ટ્રીટ વેન્ડર ધંધો કરવા એક જ લારી રાખી શકશે. ટેબલ, ખુરશી, શેડનાં દબાણ દૂર કરવાનાં રહેશે. વિવિધ વિસ્તારોમાં પાર્કિંગ પ્લોટને લેવલિંગ અને ફેન્સિંગ કરી સત્તાવાર બોર્ડ સાથે ખુલ્લા મૂકાશે. ટ્રાફિકને નડતરરૂપ દબાણ કાયમી ધોરણે દૂર રહે તે માટે તમામ આસિ. મ્યુ. કમિશનર અને વોર્ડ ઓફિસરોએ નિયમિત ચેકિંગ કરવાનું રહેશે. વેન્ડિંગ ઝોન-નોન વેન્ડિંગ ઝોન નક્કી થશે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો પ્રારંભિક અમલ શરૂ કર્યો છે. પ્રાથમિક દૃષ્ટિએ 14 રોડ દબાણમુક્ત કરવાનું નક્કી કર્યું છે. ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠન બાદ વેન્ડિંગ ઝોન-નોન વેન્ડિંગ ઝોન જાહેર કરીશું. > અરુણ મહેશ બાબુ, મ્યુ. કમિશનર લારી-ગલ્લા ધારકોને ધંધા માટે વોર્ડમાં વૈકલ્પિક જગ્યા અપાશે પાલિકાએ 14 રોડ પર લારી-ગલ્લા મૂકી વેપાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તદુપરાંત વેપારીઓ સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી જ વેપાર કરી શકશે. જોકે પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં વેન્ડિંગ ઝોન જાહેર કરાશે. પાલિકાનાં સૂત્રો મુજબ જે વેપારીઓ વર્ષોથી આ રોડ પર લારી-ગલ્લા અને પથારા ચલાવતા હતા તેઓ નજીકના અંતરિયાળ રોડ પર વેપાર કરી શકશે. તેટલું જ નહીં તેઓ અન્ય વોર્ડમાં પણ નક્કી કરેલી જગ્યાએ લારી કે પથારા કરી શકશે. આ તમામ બાબતો માટે વોર્ડ ઓફિસરને સત્તા સોંપાઈ છે.
Read Original Article →