24 કલાકમાં જ નેતાજીનો ભ્રમ તૂટ્યો:સોખડાના સભ્યએ પક્ષપલટો કરતા સમયે કહ્યું- ભાજપના નેતા ચૂલા ચાલુ કરવાની સલાહ આપે છે, પાછા આવતા કહ્યું- ભૂલનો અહેસાસ થયો
વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના પૂર્વ સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે 24 કલાકમાં જ નેતાજીનો ભ્રમ તૂટી ગયો છે અને કોંગ્રેસમાં આંટો મારીને પાછા ભાજપમાં આવી ગયા છે. કોંગ્રેસમાં જોડાતી વખતે કિરણસિંહએ કહ્યું હતું કે, મતદારો ભાજપથી ચેતજો. હિન્દુ-મુસ્લિમ કરીને લોકોને લડાવવાનું કામ કરે છે, પછી ભાજપમાં જોડાવાની જાહેરાત કરીને કહ્યું કે, ભાજપમાંથી રાજીનામું આપવું એ મારી મોટી ભૂલ હતી. ભાજપ હંમેશા 'વિકાસલક્ષી' રહ્યો છે. ‘કોંગ્રેસના વાયદાની વાતોમાં આવીને ઉતાવળે રાજીનામું આપ્યું’
વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડ ભાજપમાં પરત ફરતી વખતે જણાવ્યું છે કે, મેં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી જે રાજીનામું આપ્યું હતું, તે મારી એક મોટી ભૂલ હતી. કોંગ્રેસે મને ઘણા વાયદાઓ કર્યા હતા, પરંતુ હવે મને સમજાયું છે કે કોંગ્રેસ માત્ર વાયદાઓ કરે છે, તેને ક્યારેય પૂર્ણ કરતી નથી. આ વાયદાઓની વાતોમાં આવીને મેં ઉતાવળે રાજીનામું આપ્યું હતું, જેનો મને હવે પસ્તાવો છે. ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે. ભાજપ હંમેશા 'વિકાસલક્ષી' રહ્યો છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે. ‘મને મારી ભૂલનો અહેસાસ થયો’
તેઓએ કહ્યું કે, ભાજપ જે રીતે નાનામાં નાના કાર્યકર્તાની ચિંતા કરે છે, તે જોઈને મને મારી ભૂલનો અહેસાસ થયો છે. હું છેલ્લા ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યો છું. હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું અને રહીશ. હું ફરીથી પક્ષ પ્રત્યે મારી વફાદારી વ્યક્ત કરું છું અને ભાજપના વિકાસના મિશનમાં જોડાવા માંગુ છું. કોંગ્રેસમાં જોડાતી વખતે શું કહ્યું?
જિલ્લા પંચાયતની સોખડા બેઠકના પૂર્વ સભ્ય કિરણસિંહે કોંગ્રેસમાં જોડાતી વખતે જણાવ્યું હતું કે, ભાજપનું જે સૂત્ર હતું, ભરોસાની ભાજપ, એ હકીકતમાં ભરોસા જેવું કંઈ છે જ નહીં. મેં ભરોસો રાખીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો કે મારા સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થશે, પરંતુ વિકાસના નામે આ ભાજપ સાવ શૂન્ય છે. મેં અંદર જઈને સિસ્ટમ જોઈ, ત્યાં માત્ર 'શો-બાજી'જ ચાલે છે. હું અગાઉ 2008થી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. મેં હંમેશા લોકોના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અનેક આંદોલનો કર્યા હતા. ‘ભાજપને રામ-રામ કરી મારા ઘરે(કોંગ્રેસ) પાછો આવ્યો’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં સ્થિતિ એવી છે કે કોઈ સમસ્યા હોય તો નેતાઓ ગ્રાઉન્ડ પર આવવાને બદલે એસી કેબિનોમાં બેસી રહે છે. અમે સતત જી.ઈ.બી.ના અધિકારીઓને વિનંતી કરીને અમારા વિસ્તારના કામો કરાવ્યા છે. આ નિષ્ફળ ભાજપ સરકારથી કંટાળીને આજે હું 'રામ-રામ' કરી મારા ઘરે (કોંગ્રેસમાં) પાછો આવ્યો છું. કોંગ્રેસ જ મારું સાચું ઘર છે. ‘ભાજપના નેતા ચૂલા ચાલુ કરવાની સલાહ આપે છે’
તેઓએ કહ્યું હતું કે, તમે ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ જુઓ. કોરોના જેવી મહામારીમાં જ્યારે ઓક્સિજનના બાટલા ખૂટી ગયા હતા, આજે સામાન્ય માણસ માટે રાંધણ ગેસના બાટલા મોંઘા થઈ ગયા છે. લોકો મને ફોન કરીને કહે છે કે, કિરણભાઈ કંઈક કરો. ભાજપના નેતાઓ ઉલટાની સલાહ આપે છે કે ચૂલા પાછા ચાલુ કરી દો. કાલે જ તેમણે સ્થાપના દિવસની ઉજવણી કરી, પણ ખરેખર તો તેમણે લોકોને ગેસ સિલિન્ડર સસ્તા મળે તેવો કાર્યક્રમ કરવો જોઈતો હતો. ‘વડોદરા જિલ્લા પંચાયતનું બોર્ડ કોંગ્રેસનું જ બનશે’
તેઓએ કહ્યું હતું કે, મને પૂરી ખાતરી છે કે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં વડોદરા જિલ્લા પંચાયતનું બોર્ડ કોંગ્રેસનું જ બનશે. મારા સોખડા જિલ્લા પંચાયતના 35,000 મતદારોએ મને અગાઉ 3 હજાર મતોની લીડથી જીતાડ્યો હતો, મને વિશ્વાસ છે કે આ વખતે એ જીત 6 હજાર મતોની લીડમાં બદલાશે. અમે લોકોના કામો માટે લડીને પણ કામ કરાવીશું. ‘હું મારા સિનિયર આગેવાનો સાથે મળીને કોંગ્રેસનો ઝંડો લહેરાવીશ’
તેઓએ કહ્યું કે, હું મતદારોને વિનંતી કરું છું કે આ ભાજપથી ચેતીને રહેજો. તેઓ માત્ર જ્ઞાતિ-જાતિ અને હિન્દુ-મુસ્લિમ કરીને લોકોને લડાવવાનું કામ કરે છે. ભાજપમાં બેઠેલા લોકો પણ અંદરખાને કંટાળી ગયા છે. મને પણ ઘણા લોકો કહેતા હતા કે તમે જ્યાં હતા ત્યાં જ બરાબર હતા, અને આજે મને સમજાયું છે કે એ લોકો સાચા હતા. હવે હું મારા સિનિયર આગેવાનો અને મિત્રો સાથે મળીને કોંગ્રેસનો ઝંડો લહેરાવીશ. ‘3 વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા’
ઉલ્લેખનીય છે કે, સોખડા બેઠકના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય કિરણસિંહ ત્રણ વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓને ભાજપમાં લઈ આવ્યા હતા. ત્યારે હવે જ્યારે પાછી ચૂંટણીઓ આવી છે ત્યારે તેઓએ વધુ એક વખત પક્ષ બદલવાનું મન બનાવી લીધું છે અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને 24 કલાકમાં જ તેઓ કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં આવી ગયા છે.
Read Original Article →