પ્રેમ પ્રકરણમાં હત્યા:મુવાલમાં મળેલું કંકાલ 50 વર્ષીય મહિલાનું, યુવકે હત્યા કરી હતી
સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં નિલગીરીના ખેતરમાંથી દોઢ મહિના પહેલા મહિલાનો કંકાલ મળવાના કેસમાં પોલીસે યુવકની ધરપકડ કરી છે. આ કેસમાં 30 વર્ષના યુવકે સાબરકાંઠાની 50 વર્ષની મહિલાની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરિવારજનો અને સાક્ષીઓની પૂછપરછના આધારે પોલીસે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં સાબરકાંઠાના અંત્રોલીવાસ દોલજી ગામના રહેવાસી દિલીપસિંહ અર્જુનસિંહ પરમારે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, પિતા અર્જુનસિંહનું બિમારીને કારણે અવસાન થયા બાદ તેમની માતા ભાવનાબેન અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે રહેતા પોતાના ભાઈ ગોપાલભાઈ મગનભાઈ રાઠોડ સાથે રહેતા હતા અને કેટરિંગ તથા પ્રવાસોમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા. ગત 11 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે ગોપાલભાઈએ દિલીપસિંહને ફોન કરીને જણાવ્યું હતું કે, ભાવનાબેન 30 માર્ચ 2026ના રોજ પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયા હતા, પરંતુ હજુ સુધી પરત ફર્યા નથી. ત્યારબાદ પરિવારજનોએ વિવિધ સ્થળોએ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પરિવારને લાગ્યું હતું કે, ભાવનાબેન પ્રવાસના કામે ક્યાંક ગયા હશે, કારણ કે તેઓ અગાઉ પણ લાંબા સમય સુધી બહાર રહેતા હતા અને મોબાઇલ ફોન ઘણીવાર બંધ રહેતો હતો. તપાસ દરમિયાન દિલીપસિંહની બહેન હીરલે જણાવ્યું હતું કે, ભાવનાબેન 30 માર્ચે તેના ઘરે આવ્યા હતા અને કપડવંજ ખાતે સોની પાસે મૂકેલા ચાંદીના છડા છોડાવવા ગયા હતા. ત્યારબાદ તેઓ પાવાગઢ દર્શન કરવા જવાના હોવાનું કહી નીકળી ગયા હતા. ઘણા દિવસો સુધી કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ સગા-સંબંધીઓ તથા આસપાસના ગામોમાં શોધખોળ ચાલુ રાખી હતી. દરમિયાન ગત 18 મેના રોજ ગોપાલભાઈએ એક વ્યક્તિના મોબાઇલમાં ભાવનાબેનનો ફોટો જોયો હતો, જેમાં આ સ્ત્રીને કોઈ ઓળખતું હોય તો સાવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો તેવું લખાણ હતું. ત્યારબાદ પરિવારજનોએ સાવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આ બનાવ અંગે સાવલી પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સાવલી પોલીસે એક આરોપીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. પ્રેમ પ્રકરણમાં 30 વર્ષના યુવકે 50 વર્ષની મહિલાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે હાલ સાવલી પોલીસે તપાસના નામે મૌન સેવ્યું છે. જ્યારે આરોપી યુવકે મહિલાની હત્યા ક્યા કારણોસર કરી છે. તે અંગે પણ પોલીસ હાલ ચુપકીદી સેવી છે. જોકે, આ સમગ્ર ઘટનામાં પોલીસે પરિવારજનો અને અન્ય લોકોની પૂછપરછ બાદ આરોપી સુધી પહોંચીને હત્યાની ગુનાનો ભેદ ઉકલ્યો હોવાોન બહાર આવ્યું છે. પોલીસ ગુરુવારે આ ઘટના અંગે સમગ્ર માહિતી આપી શકે છે. મહિલાના મૃતદેહ પાસેથી 1 હજાર રોકડાં મળી આવ્યાં હતાં પોલીસે પરિવારને બતાવેલા ફોટોગ્રાફ પરથી ભાવનાબેન તથા તેમના કપડાંની ઓળખ કરવામાં આવી હતી. મુવાલ ગામની સીમમાં આવેલા નિલગીરીના ખેતરમાંથી ભાવનાબેનનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની બાજુમાંથી કપડાં, 1 હજાર રોકડા ભરેલું પાકીટ, એક ધાતુનો સિક્કો, ચાવી, ચંપલ, હાથની બંગડી અને વીંટી મળી આવી હતી.
Read Original Article →