અવધૂત ફાટક પાસે ગંભીર અકસ્માત સર્જાયો:એમ્બ્યુલન્સની મોપેડને ટક્કર,10 વર્ષીય બાળક સહિત 3 ઈજાગ્રસ્ત

Gujarat4/10/2026, 12:26:53 AM
સનફાર્મા રોડ પર રહેતા 2 બાળકોને પાડોશી યુવક મોપેડ પર ફરવા લઈ ગયો હતો. અવધૂત ફાટક પાસે ખાનગી એમ્બ્યુલન્સે મોપેડને અડફેટે લેતા 2 બાળકો રોડ પર પટકાતા તેઓને ઈજા પહોંચી હતી. મોપેડ ચાલક યુવકને પણ સામાન્ય ઈજા થઇ હતી. ત્રણેયને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓને રજા આપી દેવાઇ હતી. રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા શુભાંગીનીબેન પરમારના પતિ રાજુભાઇનુ મોત એક મહિના પહેલા જ હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. તેમનો 10 વર્ષીય દીકરો મીત બુધવારે રાત્રે પિતાની વ્યથામાં રડી રહ્યો હતો અને બહાર જવાની જીદ પકડી હતી. જેથી શુભાંગીનીબેને પાડોશી યુવકને મીત અને 17 વર્ષીય દીકરી જાહ્નવીને મેળામાં લઈ જવા કહ્યું હતું. યુવક બાળકોને લઈને માંજલપુર અવધૂત ફાટક સામે આવેલા મેળામાં ફરવા માટે લઈ ગયો હતો. ત્યાંથી રાત્રે 12 વાગ્યે તેઓ ઘર તરફ જવા નીકળ્યા હતા. ફાટક તરફથી પૂર ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે યુવકના મોપેડને અડફેટે લીધું હતું. જેના કારણે જાહ્નવી, મીત અને યુવક રોડ પર પટકાતા તેઓને ઈજા પહોંચી હતી. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો અવધૂત ફાટક પાસે જ્યારે અકસ્માત થયો ત્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે યુવકને જણાવ્યું હતું કે, તમને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ જાઉં છું. જોકે થોડી વારમાં ડ્રાઈવર એમ્બ્યુલન્સ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી અન્ય વાહન ચાલક યુવતીએ 108માં કોલ કરતા એમ્બ્યુલન્સ આવી હતી અને ત્રણેયને સયાજી હૉસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
Read Original Article →