પ્લાસ્ટિક-પેકેટ લઈ જતાં ગાર્ડે રોક્યા:કમાટીબાગમાં ઘરેથી કૂકર લઈ ગયેલાં સહેલાણી સાથે સિક્યુરિટીની માથાકૂટ
કમાટીબાગને કચરાબાગ બનતો અટકાવવા મ્યુ. કમિશનરે કડક નિર્ણયો લીધા છે. બાગમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક, નાસ્તાનાં પડિકાં લઈ જવા પર રોક લગાવાઈ છે. સાથે સહેલાણી માટે ઘરેથી જમવાનું લાવી બાગમાં જમવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. સોમવારે શરૂઆતમાં પ્લાસ્ટિકની પાણીની બોટલો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, પણ ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખી હાલ ઢીલ અપાઈ છે. તાજેતરમાં એક પરિવાર કમાટીબાગમાં કૂકર લઈને આવ્યો હતો. જે અંગે સિક્યુરિટીનું ધ્યાન જતાં પરિવારને અટકાવ્યો હતો. આ મુદ્દે બોલાચાલી પણ થઈ હતી. કમાટીબાગમાં ગત રવિવારે 60 હજાર સહેલાણી ઊમટી પડ્યા હતા. આ લોકોએ ગંદકી ફેલાવી બાગને કચરાપેટી બનાવી દીધો હતો. મ્યુ. કમિશનરે કમાટીબાગની મુલાકાત લીધી ત્યારે આ સ્થિતિ જોઈ લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક બાગની સફાઈના આદેશ આપ્યા હતા. ટીમે રાત્રે 2:30 વાગ્યા સુધી સફાઈ કરી 300 કિલો કચરો કાઢ્યો હતો. કમાટીબાગને કચરાબાગ બનતો રોકવા પાલિકાએ સિંગલ યૂઝ પ્લાસ્ટિક અને નાસ્તાનાં પેકેટ્સ લઈ જવા પર રોક લગાવી છે. સહેલાણીઓએ ઘરેથી જમવાનું લાવી ગાર્ડનમાં જમે છે, એંઠવાડ ત્યાં જ છોડી દેતાં ગંદકી થાય છે
સૂત્રો મુજબ કેટલાક સહેલાણી ઘરેથી જમવાનું બનાવીને ગાર્ડનમાં બેસી જમતા હોય છે અને ત્યાં જ એંઠવાડ મૂકી જતાં રહે છે. તાજેતરમાં એક પરિવાર ઘરેથી કૂકર લઈ આવ્યો હતો. જોકે જમવાનું કાઢતાં જ સિક્યુરિટીએ અટકાવ્યા હતા. જેને પગલે પરિવાર અને સિક્યુરિટી વચ્ચે બોલાચાલી થઈ હતી. હવે ઘરેથી જમવાનું લાવી બગીચામાં જમવા પર પ્રતિબંધ મૂકાયો હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →