દીપડાની પજવણી કરનાર સામે વિભાગની કાર્યવાહી:સયાજીબાગ ઝૂમાં દીપડાના પાંજરા પાસે જઈ દોડાવનાર યુવાનો સામે સયાજીગંજ પોલીસ મથકમાં અરજી, ફરિયાદ નોંધવાની તજવીજ

Gujarat5/15/2026, 11:56:31 AM
દીપડાની પજવણી કરનાર સામે વિભાગની કાર્યવાહી:સયાજીબાગ ઝૂમાં દીપડાના પાંજરા પાસે જઈ દોડાવનાર યુવાનો સામે સયાજીગંજ પોલીસ મથકમાં અરજી, ફરિયાદ નોંધવાની તજવીજ
વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે દીપડાના પાંજરા પાસે જઈને તેની પજવણી કરનાર 3 યુવાનો સામે સયાજીગંજ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. ઝૂ ક્યુરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અંગે યુવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાણીઓની પજવણી અંગેની કલમો લાગશે વડોદરાના પ્રસિદ્ધ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સુરક્ષા અને નિયમોના ઉલ્લંઘનની એક ગંભીર ઘટના સામે આવી હતી. ત્રણ યુવાનો દ્વારા દીપડાના પાંજરા પાસે જઈને તેની પજવણી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર સજાગ બન્યું છે અને જવાબદાર યુવાનો સામે કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સયાજીબાગ ઝૂના ક્યુરેટર દ્વારા આ મામલે સયાજીગંજ પોલીસ મથકમાં લેખિત અરજી આપવામાં આવી છે, જેમાં પજવણી કરનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ યુવાનો સામે પ્રાણીઓની પજવણી અંગેની કલમો લગાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે. પ્રાણીઓની નજીક જઈ ઉશ્કેરવા પ્રતિબંધિત ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા હોય છે, જેમાં પ્રાણીઓને ખલેલ પહોંચાડવી કે તેમની નજીક જઈને તેમને ઉશ્કેરવા પર સખત પ્રતિબંધ હોય છે. આમ છતાં, આ ત્રણ યુવાનોએ દીપડા જેવા હિંસક પ્રાણીના પાંજરાની એકદમ નજીક જઈને તેને પજવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકારની હરકત માત્ર પ્રાણી માટે જ નહીં, પરંતુ મુલાકાતીઓની પોતાની સુરક્ષા માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ઝૂ સત્તાધિશોએ આ ઘટનાને ગંભીરતાથી લઈને વીડિયોમાં આધારે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. યુવાનોએ સોશિયલ મીડિયા પરથી વીડિયો હટાવ્યા સુજલ રાજા નામના ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીનો વીડિયો મૂકવામાં આવ્યો હતો. જો કે આ વીડિયો સામે આવ્યા બાદ આ એકાઉન્ટ ઉપરથી વીડિયો હટાવી દેવામાં આવ્યા છે. જો કે આ અંગે પ્રાણી સંગ્રહાલયના સંચાલકો દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કસૂરવારો સામે કાયદાકીય પગલાં ભરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વનવિભાગ કે પોલીસ કાર્યવાહી કરશે તેના પર અસમંજસ વીડિયો વાઈરલ થયા બાદ આ અંગે વન વિભાગ પગલા ભરશે કે પોલીસ તે બાબતે અસમંજસ જોવા મળ્યું હતું. સયાજીગંજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.પંડ્યાએ જણાવ્યું હતું કે આ અંગે વન વિભાગ કાર્યવાહી કરશે જો કે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે પ્રાણી સંગ્રહાલય એ વન વિભાગમાં નથી લાગતું. અમારા દ્વારા અરજી આપવામાં આવી છે અને પ્રાણીઓની હેરાનગતિ અંગે કઈ કલમ લાગે તે અંગે પોલીસ મથકમાં જણાવવામાં આવશે અને બાદમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. સિક્યુરિટીની ચૂક નથી લાગતી ઝૂ ક્યુરેટર જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે આમાં સિક્યુરીટીની ચૂક નથી લાગી રહી. કદાચ સુરક્ષા જવાનો કોઈ કામ અર્થે ગયા હશે અને બાદમાં દરવાજો બંધ કરવાનો રહી ગયો હશે તેની ગણતરીની મિનિટોમાં આ યુવાનો નજર ચૂકવીને થોડી જ વારમાં બહાર નીકળી ગયા હશે. તેમ છતાં અમે આ અંગેની તપાસ કરીશું.
Read Original Article →