5 મહિના બાદ ફરી ભાજપના MLA કેતન ઈનામદારનો CMને પત્ર:કહ્યું-સરકારની નામના ખરડાય છે, અધિકારીઓ સામે કાર્યવાહી કરો; વડોદરા મેસરી નદીના બ્રિજમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
વડોદરાના સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે આવેલા મેસરી નદી પર નિર્માણ પામેલા બ્રિજના કામમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. છેલ્લા 5 મહિનામાં બીજી વખત સીએમને પત્ર લખીને તેમણે અધિકારીઓ સામેની નારાજગી વ્યક્ત કરી છે. તેને કહ્યું કે, નબળા કામોને કારણે સરકારની નામના ખરડાઈ રહી છે. ધારાસભ્યે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. બ્રિજ પરના રસ્તામાં તિરાડો અને RCC ઉખડી ગયો
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારા મત વિસ્તાર સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે કરડ નદી અને મેસરી નદી પર 24 કરોડ રૂપિયાના ખર્ચે નવિન બ્રિજ એપ્રોચ રોડ સાથે બનાવવામાં આવેલ છે. પરંતુ હજુ બ્રિજને થોડા સમય પહેલા જ શરૂ કરેલ છે. બ્રિજ પરના રસ્તામાં તિરાડો તથા RCC ઉખડી ગયેલો જોવા મળેલ છે. જે ખુબ જ ગંભીર બાબત છે. 'સરકારની નામના ખરડાય છે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરો'
સરકાર નાગરિકોની ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા માટે હંમેશા અગ્રેસર હોય અને આવી કોન્ટ્રાકટર કે અધિકારી/કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય અને સરકારની નામના ખરડાય જે ગંભીર વિષય છે. આ બાબતે વિજીલન્સ તપાસ કરાવી કસુરવાર કોન્ટ્રાકટર કે અધિકારી/કર્મચારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવા મારી રજૂઆત છે. ઈનામદારે અગાઉ પણ Cmને પત્ર લખીને અધિકારીઓ સામે બાયો ચડાવી હતી
ઉલ્લેખનીય છે કે, 5 મહિના પહેલા(8 જાન્યુઆરી,2026) પણ સીએમને પત્ર લખીને અધિકારીઓ લોકોના કામ ના કરતાં હોવાથી ટિકા કરી હતી. કેતન ઈનામદારે અગાઉ પણ અનેક વખત મુખ્યમંત્રીને પત્ર લખીને અલગ અલગ રજૂઆતો કરી ચૂક્યા છે. અલગ અલગ પ્રકારની કામગીરીમાં અધિકારીઓ સામે તેઓએ બાયો ચડાવી હતી. ત્યારે ફરી એકવાર કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કડક કાર્યવાહીને માંગ કરી છે. 'ટેકનિકલી જે કામ અત્યારે કરાવાયું તે બરાબર લાગતું નથી'
ધારાસભ્ય કેતન ઇનામદારે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાવલી-ટીમ્બા રોડ પર 2 બ્રિજ બની રહ્યા છે. તે બંને બ્રિજમાંથી એક બ્રિજનું કામ અત્યારે ચાલુ છે, જ્યારે બીજો બ્રિજ તેઓએ અગાઉ બનાવી દીધો છે. જે બની ગયો છે તેને અંદાજે એક વર્ષ જેવો સમય થયો છે. એ વખતે પણ આપણે તેમને લેખિત રજૂઆત કરી હતી કે, આ બ્રિજની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઊભા થાય તેમ છે. ટેકનિકલી જે કામ અત્યારે કરાવવામાં આવ્યું છે, તે બરાબર લાગતું નથી. તેથી આની યોગ્ય તપાસ કરી જે પણ ક્ષતિઓ હોય તેને સુધારી લેવામાં આવે. અને જો કંઈ ખોટું થયું હોય તો કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ. 'કંઈક ખોટું થઈ રહ્યું હોય તો એડવાન્સમાં જ પગલાં લેવા જોઈએ'
તેઓએ કહ્યું હતું કે, એ વખતે મેં એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયરને કહ્યું હતું, તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાહેબે તે સમયે તપાસ પણ કરાવી હતી અને સૂચનાઓ પણ આપી હતી. પરંતુ એ વખતે બ્રિજ બની ચૂક્યો હતો, એટલે અધિકારીઓએ આપણને ખાતરી આપી હતી કે નવો બ્રિજ બની જાય એટલે તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરીને આ બ્રિજનું કામ નવેસરથી હાથ ધરીશું. આપણે કાયમ માટે કહીએ છીએ કે ભાઈ કંઈક ખોટું થઈ રહ્યું હોય તો એડવાન્સમાં જ પગલાં લેવા જોઈએ. પછીથી તેઓ શું કરવા તરત એક્શનમાં નથી આવતા એ ખબર નથી પડતી. આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી મારી માંગણી છે. આ પણ વાંચો વડોદરા ભાજપના જ 5 MLAનો CMને પત્ર, પ્રજાના કામ થતાં નથી,અંધાધૂંધ વહીવટ ચલાવે છે 5 મહિના પહેલા(8 જાન્યુઆરી,2026) ના વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી છે. તેમજ અધિકારીઓની માનસિકતા સામે જ અનેક સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય કેતન ઇનામદાર,અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે માતરમ્’થી શરૂઆત કરી અધિકારીઓની ટીકા કરી છે. ઉલ્લેખીનય છે કે આ પહેલાં 2017ની વિધાનસભા ચૂંટણી બાદ ત્રણ ધારાસભ્યોએ સર્કિટ હાઉસ પર બેઠક બોલાવી કામ થતાં ન હોવાનો બળાપો કાઢ્યો હતો. મુખ્યમંત્રીને પત્ર લખનાર જિલ્લાના તમામ ધારાસભ્યો સાથે દિવ્ય ભાસ્કરે દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કોઈ પ્રત્યુતર આપ્યો નહોતો. જ્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બાબતે અમે મુખ્યમત્રીને કાર્યાલય ખાતે રજૂઆત કરી છે. અમને વિશ્વાસ છે કે આ રજૂઆતને મુખ્યમંત્રી ધ્યાન પર લઈ યોગ્ય નિકાલ લાવશે અને જવાદાર અધિકારીઓ સામે પગલાં લઈ પ્રજાના પ્રશ્નોનો જલ્દી નિકાલ આવે તેવી વ્યવસ્થા ગોઠવશે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) 2 વર્ષ પહેલાં કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું મોકલી પ્રેશર પોલિટિક્સ કર્યું
2024ની 19 માર્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતાં વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. જો કે ત્યાર બાદ મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હતી અને હકુભાને વડોદરા દોડાવ્યા હતા. ત્યાર બાદ ઇનામદાર વડોદરાથી પાટીલ સાથે બેઠક કરવા માટે ગાંધીનગર આવ્યા હતા. જ્યાં બન્ને વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ કેતન ઇનામદાર ઢીલા પડ્યા હતા. સવારથી બપોર સુધી રાજકીય ડ્રામા ચાલ્યા બાદ તેમણે રાજીનામું પરત ખેંચી કહ્યું હતું કે, 2027ની ચૂંટણી પણ નહીં લડું. મને સંતોષ છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 2022માં સરકાર સામે પડ્યા હતા ડભોઈના ધારાસભ્ય
2022માં ડભોઈ તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને વહેલી તકે પાણી આપવામાં નહીં આવે તો ઉનાળુ પાક ખાક થઈ જશે. તેમણે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લોકોનાં ઘરોમાં નળ છે, પણ પાણી આવતું નથી, આથી વધુ વિકટ સ્થિતિ ખેડૂતોની થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના ખેડૂતો સહિત જિલ્લાના વિવિધ ખેડૂતો દ્વારા ઉનાળુ પાકને બચાવવા માટે સિંચાઇનું પાણી આપવા સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની સિંચાઇનું પાણી આપવા માટેની માગ પૂરી કરવામાં આવતી નથી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →