કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી સામેના દારુ કેસનો મામલો:સંખેડા પોલીસ સ્ટેશનના ચોક્કસ સમયગાળાના CCTV ફુટેજ સુરક્ષિત રાખવાના કોર્ટનો આદેશ

Gujarat5/20/2026, 3:54:55 PM
કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી સામેના દારુ કેસનો મામલો:સંખેડા પોલીસ સ્ટેશનના ચોક્કસ સમયગાળાના CCTV ફુટેજ સુરક્ષિત રાખવાના કોર્ટનો આદેશ
વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષી સામે દારૂના કેસ અંગે હવે વિવાદ વધુ વકર્યો છે. સંખેડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે નામદાર કોર્ટમાં જે તે સમયના સીસીટીવી ફૂટેજ સંગ્રહ કરવાની અરજી કરવામાં આવી હતી જેમાં નામદાર કોર્ટે સંખેડા પોલીસને આ સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો છે. કોર્ટે ફૂટેજ રિઝર્વ રાખવાનો એસપી ઓફિસને આદેશ કર્યો સંખેડા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી સામે નોંધાયેલા દારૂના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં એક મોટો વળાંક સામે આવ્યો છે. વડોદરાના કોર્પોરેટર આશિષ જોશી દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી એક અત્યંત મહત્વપૂર્ણ અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આશિષ જોશી તરફે કોર્ટમાં સંખેડા પોલીસ સ્ટેશનના ચોક્કસ સમયગાળાના સીસીટીવી (CCTV) ફૂટેજ સુરક્ષિત રાખવા માટે દાદ માંગવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી હાથ ધરીને નામદાર કોર્ટે સંખેડા પોલીસ સ્ટેશનના તારીખ 23 એપ્રિલ,2026થી 25 એપ્રિલ, 2026 અને તારીખ 13 મે, 2026 થી 15 મેં, 2026 સુધીના તમામ સીસીટીવી ફૂટેજનો સંગ્રહ કરવાનો એટલે કે તેને પ્રિઝર્વ કરવાનો હુકમ એસપી (SP) કચેરીને કર્યો છે. કોર્ટના આ આદેશ બાદ પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખાનગી વાહનમાં દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનમાં લવાયો હોવાની આશંકા આ સમગ્ર વિવાદની પાછળ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સંખેડા પોલીસ દ્વારા કોઈ ખાનગી વાહનમાં વિદેશી દારૂનો જથ્થો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોઈ નિર્દોષ વ્યક્તિ કે રાજકીય હરીફને ફસાવવાના આશયથી આખોય ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો હતો. આ આશંકાઓને બળ આપવા માટે જ કોર્પોરેટર આશિષ જોષી દ્વારા એડવોકેટ હિતેશ ગુપ્તા મારફતે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જો પોલીસ સ્ટેશનના નિર્ધારિત દિવસોના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવે, તો કયા વાહનમાં દારૂ આવ્યો, કોણ લાવ્યું અને તે સમયે કયા અધિકારીઓ હાજર હતા તે તમામ વિગતો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. કોર્ટે પણ મામલાની ગંભીરતાને સમજીને એસપી કચેરીને તાકીદે આ ફૂટેજ જાળવી રાખવા જણાવ્યું છે જેથી ભવિષ્યમાં પુરાવા સાથે કોઈ છેડછાડ ન થઈ શકે. આવનારા દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાની શક્યતા આવનારા દિવસોમાં આ પ્રકરણમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાનગી વાહનમાં દારૂ સંખેડા પોલીસ મથકે પહોંચ્યો હોવાના અને કાયદાનો દુરુપયોગ કરીને કાવતરું ઘડવામાં આવ્યું હોવાના કેટલાક વધુ સચોટ અને મજબૂત પુરાવાઓ પણ ટૂંક સમયમાં સામે આવી શકે તેમ છે. આ પુરાવાઓ અને કોર્ટના આદેશથી સુરક્ષિત કરાયેલા સીસીટીવી ફૂટેજ ભેગા મળીને આખીય ઘટના પરથી પડદો ઉઠાવશે. સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્ર વચ્ચેની કથિત મિલીભગતનો આ મામલો હવે કાયદાકીય ગૂંચ વટાવીને સત્ય તરફ આગળ વધી રહ્યો છે, અને જો આરોપો સાબિત થશે તો સંખેડા પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાનૂની સકંજો કસાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
Read Original Article →