ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર કોંગ્રેસ કોર્પોરેટરની દારૂના કેસમાં ધરપકડ:સંખેડાના દારૂના કેસમાં આશિષ જોષીનું નામ ખૂલ્યું હતું, કોંગ્રેસે કહ્યું- રાજકીય દબાણના કારણે કેસ કરાયો

Gujarat5/14/2026, 8:58:14 AM
ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર કોંગ્રેસ કોર્પોરેટરની દારૂના કેસમાં ધરપકડ:સંખેડાના દારૂના કેસમાં આશિષ જોષીનું નામ ખૂલ્યું હતું, કોંગ્રેસે કહ્યું- રાજકીય દબાણના કારણે કેસ કરાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંખેડા પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછમાં આ દારૂનો જથ્થો વડોદરાના આશિષ જોષીને આપવાનો હોવાની કેફિયત બુટલેગરે રજુ કરી હતી. જેના આધારે પોલીસે વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષી સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ગતરાતે અમદાવાદ રામોલ પોલીસે તેઓની ધરપકડ કરી હતી અને તેને સંખેડા પોલીસને સોંપવામાં આવ્યા હતા. આજે તેઓને સંખેડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. 'આશિષ જોષીનો રેકોર્ડ પૂછી લો, દૂર દૂર સુધી દારૂ સાથે નિસ્બત નથી' વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સંખેડા ખાતે પહોંચ્યા હતા. જો કે પોલીસે તેઓને મળવા દીધા ન હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ સામે કોઈ પણ કોઈનું પણ નામ લઇ લે તો માની લેવાનું? આશિષ જોષીની આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરો તો માલુમ પડશે કે તેઓને દૂર દૂર સુધી દારૂ સાથે કોઈ નિસ્બત નથી. અમે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છે અને કાયદાકીય લડાઈ લડીશું. જો અધિકારીઓ પણ જવાબદાર હશે તે તેઓ સામે પણ લડીશું. રાજકીય દબાણના કારણે આ કેસ કરવામાં આવ્યો છે. શું હતો સમગ્ર મામલો? સંખેડા પોલીસ મથકના પી.આઈ.ના જણાવ્યા અનુસાર 23 માર્ચના રોજ તેઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે. જેના આધારે તેઓએ વોચ ગોઠવી શંકાસ્પદ ઇકો ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી 299 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 3 લાખનો જથ્થો મળ્યો હતો. તેનો ચાલક પ્રમોદ નામનો વ્યક્તિ હતો અને તેને કબુલ્યું હતું કે આ જથ્થો વડોદરા ખાતે આશિષ જોષી નામના વ્યક્તિને આપવાનો હતો જેનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આશિષ જોષીના કોલ રેકોર્ડના આધારે આ બંને સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. બદલાની ભાવનાથી ધરપકડ કરી હોવાના કોંગ્રેસના આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, આ ધરપકડ બદલાની ભાવનાથી કરવામાં આવી છે કારણ કે, વડોદરામાં ભારતીય જનતા પક્ષની છાતી પર ચઢીને , હરણીકાંડના પીડિતોને ન્યાય આપવા માટે મક્કમતાથી લડાઈ આપી છે. વોર્ડ નંબર 15માં જીતેલા તથા ભાજપના ધારાસભ્યના અભિમાનને ચકનાચૂર કરીને જનતાના પ્રેમથી કોર્પોરેશનની સીટ જીતનાર મહાદેવ ભક્ત આશિષ જોષી સામે બદલાની ભાવનાથી જાણે કોઈ મોટા ક્રિમીનલ હોય તેમ લોકેશનની વોચ રાખી અમદાવાદમાં પોતાના સગાના ત્યાં જતા હતા ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા ધરપકડ કરી સંખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસનું કહેવું છે કે ડભોઇ બાજુ કોઈ દારૂ પકડાયો હતો અને તે દારૂ લાવનાર વ્યક્તિ એમ કહે છે કે આ દારૂ આશિષભાઈના કહેવાથી હું લાવ્યો હતો. એટલે હર્ષ સંઘવીની બાહોશ પોલીસ આશિષભાઈને પકડે છે. સારું થયું તે પકડાયેલ બુટલેગરે ભાજપમાં કોઈ મંત્રીનું નામ ન આપ્યું નહિતર આ બાહોશ પોલીસ તેમને પણ પકડી લેત? ઉલ્લેખનીય છે કે, આશિષ જોષીને હરાવવા માટે આ કાવતરું હોવાની ફરિયાદ પણ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.
Read Original Article →