પાણી ન મળતાં RTIથી માહિતી માગી:કરજણમાં માહિતી નહીં આપનાર ચીફ ઓફિસરને 15 હજારનો દંડ

Gujarat6/8/2026, 12:15:17 AM
કરજણ નગર પાલિકા વિસ્તારમાં પીવાના પાણીની ટાંકી ખાનગી માલિકીની જગ્યામાં બનાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતાં તેની ચીફ ઓફિસર પાસે આરટીઆઇથી માહિતી માગી હતી. છતાં સમય મર્યાદામાં માહિતી નહીં આપતાં રાજ્ય માહિતી કમિશનર ગાંધીનગર દ્વારા ચીફ ઓફિસરને પંદર હજારનો દંડ ફટકારતાં નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કરજણમાં વોર્ડ નં.4માં આવેલી સોમનાથ પાર્ક સોસાયટી પાસે સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને વારિગૃહ (પાણી ની ટાંકી )બનાવી હતી. આ ટાંકીનો સંપ અને પંપ સેટ તૈયાર થઇ ગયેલ હોવા છતાં પણ નગરજનોને આ ટાંકીમાંથી પીવાના પાણીનો લાભ નહીં મળતાં કશું રંધાઇ રહ્યું હોવાની રહીશોમાં ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ઘનશ્યામ વસાવા (રહે.148 સજ્જન પાર્ક સોસાયટી જૂના બજાર)એ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસર મહેન્દ્રકુમાર સોલંકી, પાસે આરટીઆઇથી માહિતી માંગી હતી. જેની પ્રથમ અપીલ અધિકારી પ્રાદેશિક કમિશનર વડોદરા સમક્ષ ચાલી જતાં ચીફ ઓફિસર કે તેમના પ્રતિનિધિ હાજર નહિ રહેતાં દિન 10માં વિના મૂલ્યે અરજદારને માહિતી પૂરી પાડવામાં આવે તેવો હુકમ કરાયો હતો. તે હુકમને પણ ઘોળીને પી જતાં અરજદાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ખાનગી માલિકીની જમીનમાં વાપરી ભ્રષ્ટાચાર કરનાર પાલિકાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે માહિતી આયોગમાં અપીલ કરતાં, ઇરાદાપૂર્વક માહિતી નહિ આપનાર ચીફ ઓફિસરને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે.
Read Original Article →