વિદ્યાર્થીઓ માટે સૂચના જાહેર:મ.સ.યુનિ.ના પોર્ટલ સાથે જીકાસમાં નોંધણી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત

Gujarat5/16/2026, 12:00:00 AM
મ.સ.યુનિ.માં 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. કોમર્સ ફેકલ્ટીએ બીબીએ અને એફવાય બીકોમમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સૂચના જાહેર કરી છે. જેમણે એમ.એસ.યુનિવર્સિટીના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી ફી ભરી હશે, તેઓ જ પ્રવેશ પરીક્ષા આપી શકશે અને પ્રવેશ માટે લાયક ગણાશે. આ વિદ્યાર્થીઓ માટે સરકારના જીકાસ પોર્ટલ પર પણ નોંધણી પણ ફરજયાત કરવી પડશે. કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે બીબીએના વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 17 મે, રાત્રે 11:59 વાગ્યા સુધી રાખવામાં આવી છે. હાલમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ ન હોવાથી તેઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને રાહત આપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ અસલ માર્કશીટના બદલે ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી માર્કશીટ અને એલસીના બદલે જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરીને પણ રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકશે. એફવાય બીકોમમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પણ 26મી મે સુધી જીકાસ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવી છે કે જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવા આવે ત્યારે સાથે માન્ય ઓળખપત્ર અને એમ.એસ.યુનિવર્સિટી પોર્ટલ પર ભરેલી ફીની રસીદ સાથે રાખવી ફરજિયાત છે. આ દસ્તાવેજો વગર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. ઓનલાઇન માર્કશીટ અને બર્થ સર્ટિ.અપલોડ કરી નોંધણી કરી શકાશે
Read Original Article →