શબ્દની ખેતી, અર્થના ઉતારા:ભાવકો મૂર્ખ નથી, કવિતાને કવિતાના સ્વરૂપે પ્રગટ કરો
માસિક સાહિત્યિક ઉપક્રમે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા ‘સાહિત્ય કલરવ’ અંતર્ગત કાર્યક્રમ ક્રમાંક 51નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ભાવનગર અને રાજકોટથી પણ અનેક ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે કવિ યોગેશ પંડ્યા અને કવિ વિનોદ આનંદ હાજર હતા. કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે જાણીતા સાહિત્યકાર, વિવેચક અને અધ્યાપક ડૉ. ગુણવંત વ્યાસે ‘શબ્દની ખેતી ને અર્થના ઉતારા’ વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેમણે શબ્દને માત્ર ભાષાના માધ્યમ તરીકે નહીં, પરંતુ માનવચેતનાના ઊંડા અનુભવો અને સંવેદનાઓના વાહક તરીકે રજૂ કર્યો હતો. સર્જકના અંતરમાં ઉગતા શબ્દબીજ કેવી રીતે કાવ્ય, વાર્તા કે નિબંધના સ્વરૂપમાં વિકસે છે અને તેમાંથી અર્થના કેટલાય સ્તરો કેવી રીતે પ્રગટે છે તેની તેમણે સરળ છતાં અસરકારક રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, લેખક કે કવિ જે પણ લખે છે તે શબ્દો તેની જવાબદારી બની જાય છે. લેખક કે કવિ જે પણ લખે છે તે ભાવકો માટે લખે છે અને ભાવકો મૂર્ખ નથી. કવિતા ને કવિતાના સ્વરૂપે જ પ્રગટ કરવી જોઈએ બધા જ અર્થ સાથે કવિતા લખવાનો કોઈ અર્થ નથી. તેને કવિતા ન કહેવાય. વયની સાથે જવાબદારી પણ વધે છે અને જે રીતે વયસ્કતા આવે તે પ્રમાણે સર્જનમાં પણ વૈવિધ્ય આવવું જોઈએ. ચીલાચાલુથી અલગ હોવું જોઈએ. એકના એક ભાવમાં લખવામાંથી બહાર આવવું જોઈએ. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી દરેક કવિ અને લેખકે બહાર આવવું જોઈએ તો જ સમાજને કંઈક નવું આપી શકે નવી કેડી માંડવી જોઈએ. જે રસ્તા બનેલા છે તેના ઉપર ચાલવાનો શું અર્થ.સાહિત્યમાં શબ્દનું મૂલ્ય માત્ર તેના ઉચ્ચાર કે અર્થમાં નથી, પરંતુ તેની પાછળ રહેલી અનુભૂતિ, કલ્પના અને સંવેદનામાં સમાયેલું છે. જે પણ સર્જન તમે કરો તે ચિરંજીવ રહેવું જોઈએ અને તેના માટે તમારે સતત શબ્દો અને અર્થ વડે સાહિત્યને જીવંત રાખવું પડે. અનેક સાહિત્યિક ઉદાહરણો અને સંદર્ભો દ્વારા તેમણે શ્રોતાઓને શબ્દસૃષ્ટિના આંતરિક વૈભવનો પરિચય કરાવ્યો હતો. કવિની અભિવ્યક્તિ અને કાવ્યશૈલીની કવિતાઓ પ્રેમ, પ્રકૃતિ, આધુનિક જીવનની સંવેદનાઓ, માનવીય સંબંધો અને સામાજિક વિષયોને સ્પર્શતી તેમની કવિતાઓ રજૂ કરી હતી. દરેક કવિની આગવી અભિવ્યક્તિ અને કાવ્યશૈલીને ઉપસ્થિતોએ વધાવી હતી. જેમાંની કેટલીક કવિઓએ રજૂ કરેલી પંક્તિઓ
એ તો ખબર હતી કે જાદુ નથી થવાનો, એ વાલીયો હતો, હું સાધુ નથી થવાનો. - અમિત ટેલર
બઘા રસ્તો કરીને ટોચ પર પ્હોચી ગયા બોલો, તમે ફરતા રહ્યા નાહક બઘે બાંયો ચઢાવીને. - પ્રતીક બારોટ
સોળ સોળ શ્રાવણીયા વરસ્યા ચોધાર તોય કોરા હોવાનું મને દ:ખ, ભવભવની તરસી છું વાલમજી એક વાર, એક વાર કાગળ તો લખ! - યોગેશ પંડ્યા. ભાવનગર
ચા વિના તો ચેન પડે નહીં, ભવ ભવના ભેરુની મોજની જમાવટમાં, કે પેઢીઓથી ચાલતાં હો વેરની પતાવટમાં, ચાની તોલે કોઈ ચડે નહીં. - કમલેશ વ્યાસ
Read Original Article →