‘વન ડે વન રોડ’ અંતર્ગત દબાણ હટાવાયા:અકોટા-તાજ હોટેલ રોડ પરથી 30 હોર્ડિંગ્સ-પાકા ઓટલા દૂર કરાયાં
પાલિકા દ્વારા શહેરના માર્ગોને મોકળા કરવા માટે ‘વન ડે વન રોડ’ અંતર્ગત દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વોર્ડ નં. 12માં અકોટા બ્રિજ ઉતરતા રામપુરાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર 10 થી વધુ ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં વન વોર્ડ વન વોર્ડ અંતર્ગત પાલિકાની ટીમે અકોટા રોડ પર કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં દબાણ હટાવવાની કામગીરીમાં TDO વિભાગ, કોમર્શિયલ વિભાગ, એન્જિનિયરિંગ અને ગાર્ડન વિભાગની ટીમોએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું. માર્ગની બંને બાજુએ નડતરરૂપ અંદાજે 15 થી 30 જેટલા હોર્ડિંગ બોર્ડ અને 8થી 10 જેટલા ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. રોડ પર અડિંગો જમાવી ઉભેલી એક ફોર વ્હીલર કાર અને એક પાકું કેબિન પણ દૂર કરી 5 ટ્રક સામાન જપ્ત કરાયો હતો. અકોટા સાથે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, મેયર ગેટ પાસેના ફૂલના પથારા તેમજ સરદાર એસ્ટેટ અને તરસાલી બસ સ્ટેન્ડ પાસે પણ લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
Read Original Article →