પોલીસે માત્ર કામગીરી બતાવવા માટે ફરિયાદીનાં નિવેદનો લીધાંનો આરોપ:કરજણના ધારાસભ્યનો પુત્ર 48 કલાકે પણ પોલીસ પકડથી દૂર,રાજકીય દબાણનો આક્ષેપ

Gujarat5/25/2026, 12:00:52 AM
કરજણ ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલની સામે ગુનો નોંધાયાના 48 કલાક બાદ પણ જિલ્લા પોલીસ આરોપીને પકડી શકી નથી. પોલીસે 48 કલાકમાં ફરિયાદી સહિતના નિવેદનો લીધા છે. જ્યારે આરોપીને પકડવા જે કાંઈ પણ કાર્યવાહી કરવી જોઈએ તે પગલાં પોલીસ લેતી ન હોવાનું તેમજ કેસને રાજકીય દબાણ હેઠળ દબાવવાની કોશીષ કરી રહી હોવાના આક્ષેપ પોલીસ પર લાગી રહ્યાં છે. મહત્વનું છે કે, ઋષિ પટેલ વિદેશ ભાગી ગયો હોવાની પણ શંકા સેવાઈ રહી છે. અમાનુષી અત્યાચારને પગલે આદિવાસી સમાજના આગેવાનો અને પીડિત પરિવારમાં આક્રોશ વ્યાપ્યો છે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે, પીડિતને એટલી ગંભીર ઇજાઓ થઈ છે કે તેઓ 2-3 મહિના સુધી કામ કરી શકે તેમ નથી. આ મામલે પોલીસ ફરિયાદમાં હજુ પણ BNS 109 અને 118 (2) જેવી ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી, જેના માટે ડીવાયએસપીને મળીને રજૂઆત કરી છે. રાજકીય દબાણ વગર પુરાવા જળવાઈ રહે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગ કરી છે. પીડિત નટવરભાઈ વસાવા એક વર્ષથી ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષી પટેલના હાઈવા ડમ્પરમાં ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 15 મેએ તેઓ અન્ય એક ડ્રાઈવર સાથે જંબુસર ખાતે રેતી ખાલી કરીને પરત ફર્યા ત્યારે તેમને બકાપુર ઓફિસે બોલાવાયા હતા. ત્યાં ઋષી પટેલે તેમને એક વાહનનો ફોટો બતાવી ડીઝલ ચોરીનો આક્ષેપ કર્યો હતો. નટવરભાઈએ આ વાત નકારતા જ ઋષી પટેલે લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ અન્ય 4 સાગરીતોએ વારાફરતી પ્લાસ્ટિકની પાઈપોથી આડેધડ ફટકા માર્યા હતા. આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવીને નટવરભાઈના પગ દોરડાથી બાંધીને તેમને ઓફિસમાં ઊંધા માથે લટકાવી દીધા હતા અને જાતિવિષયક અપશબ્દો કહી ગડદાપાટુનો માર માર્યો હતો. અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલે નટવર વસાવાને ઊંધા લટકાવી માર માર્યો હતો પોલીસે માત્ર કામગીરી બતાવવા માટે ફરિયાદીનાં નિવેદનો લીધાંનો આરોપ ધારાસભ્યના પુત્રે લોકોને કહ્યું હતું, હું ગમે ત્યાં રેતી ખોદીશ, થાય તે કરો, પોલીસે મામલો થાળે પાડ્યો હતો ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીમાંથી બેફામ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઝઘડિયાના ઈન્દોર ગામની હદમાં રેતી ખનન મામલે માર્ચ 2024માં કરજણ ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલે સ્થાનિકોને ધમકી આપી હતી કે, હું ગમે ત્યાં રેતી ખોદીશ, જે થાય તે કરી લો. જોકે જે તે સમયે ઘટના બાદ ઈન્દોરમાં ઝઘડિયા અને કરજણ પોલીસનો કાફલો સ્થળ પર પહોચી જઈને મામલો થાળે પાડ્યો હતો.
Read Original Article →