ધનિયાવી રોડની ઘટના:પેટ્રોલપંપના સંચાલકોનો પૂર્વ કર્મચારી સહિત 3 પર હુમલો

Gujarat4/6/2026, 1:25:44 AM
શહેરના ધનિયાવી રોડ પર આવેલા પેટ્રોલ પંપના માલિકોએ પૂર્વ કર્મચારી પર 22 હજારની ઉચાપતનો આરોપ લગાવી રસ્તા વચ્ચે આંતરીને તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. વૈભવી કારમાં આવેલા 8થી 10 હુમલાખોરોએ કર્મચારી ઉપર કરેલા આ હૂમલામાં ત્રણ શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તરસાલી ચોકડી અને ધનિયાવી રોડ પાસે બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ પૂર્વ કર્મચારી અને તેના સાળાને રસ્તામાં આંતર્યા હતા. ત્યારબાદ ધારીયા અને લાકડાના ડંડા વડે બેરહેમ માર માર્યો હતો. આ હુમલામાં એક યુવાનના બંને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે. રાકેશભાઈ અશોકભાઈ રાવળ અગાઉ પુરંદર ફાર્મ પાસેના ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર ફીલર તરીકે ફરજ બજાવતા હતા. ગત શનિવારે તેઓ પુત્ર સાથે શાકભાજી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પંપ માલિક યુવરાજસિંહ ઉર્ફે અપ્પુ મહીડાએ પોતાની ફોર્ચ્યુનર કારથી તેમને આંતર્યા હતા. મહીડાએ ધમકી આપતા કહ્યું હતું કે, ‘તેં પંપના ₹22,000 લઈ લીધા છે, તે પરત આપી દે નહીંતર મારી નાખીશ.’ રાકેશભાઈએ ઘરે પહોંચીને પોતાના સાળાને આ અંગે જાણ કરી હતી. તેઓ ધનિયાવી રોડ પર પાનના ગલ્લા પાસે ઉભા હતા, ત્યારે આરોપીઓ લાલ રંગની BMW કાર લઈને ધસી આવ્યા હતા. કારમાંથી ઉતરેલા ટોળાએ હુમલો કરતા મેલાભાઈ સુખાભાઈ રાવલીયાને ગંભીર ઈજાઓ થતા SSG હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલામાં રાકેશભાઈ અને તેમના સાળા ભરતભાઈ રાવળને પણ ઈજાઓ પહોંચી છે. કપુરાઈ પોલીસે રાયોટિંગ અને હથિયારબંધી ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવરાજસિંહ અપ્પુ મહીડા, રાજવીરસિંહ મહીડા, જયરાજસિંહ મહીડા, હંસરાજસિંહ મહીડા અને અન્ય 4-5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
Read Original Article →