લ્યો બોલો...! યુવકને પાણીપુરી 3.62 લાખમાં પડી:પાદરામાં મિત્રએ યુવકને પાણીપુરી ખાવા બોલાવ્યો, ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી; આરોપીની ધરપકડ
આજ કાલ ચોરીના બનાવોમાં સત્તત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ મોઘવારીએ માજા મૂકી છે. ત્યારે ચોરીના બનાવોમાં તમે આજ સુધી સાંભળ્યું હશે કે અજાણ્યા શખ્સો આવી ચોરીને અંજામ આપે છે. પરંતુ પાદરામાં મિત્રાએ પોતાના અંગત મિત્રને પાણીપુરી ખાવા માટે બોલાવ્યો હતો અને તે દરમિયાન ઘરમાં હાથ ચાલાકી કરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આ આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મિત્રએ યુવકને પાણીપુરી ખાવા બોલાવ્યો
વડોદરા જિલ્લાના પાદરા શહેરના પધરાઈ ચોક વિસ્તારમાં બનેલી ચોરીના ગુનામાં પાદરા પોલીસને મોટી સફળતા મળી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ કિસ્સામાં મિત્રોએ અન્ય મિત્રને પાણીપુરી ખાવા ઘરે બોલાવ્યો અને તે દરમિયાન મિત્રાએ જ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. આર્થિક તંગીને કારણે મિત્રના ઘરે ચોરી કરી
પાદરામાં બનેલ આ બનાવ અંગે ફરિયાદી મેહૂલ કુમાર ઘનશ્યામભાઈ મોચીના ઘરે થયેલી ચોરીમાં તેમના અંગત મિત્રે જ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી હિતેશ ભુપત દરજીએ પોતાના વેપાર-ધંધો પડી ભાંગતા આર્થિક તંગીને કારણે મિત્રના ઘરે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. પાદરા પોલીસે આરોપી હિતેશ ભુપત દરજીની ઝડપી ધરપકડ કરી હતી અને તેની પાસેથી 3.62 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંનો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →