સિલિન્ડર બ્લાસ્ટની ઘટના:કન્ટેનર્સ પાર્ક ફુડ ઝોનમાં ઓક્સિજનનો સિલિન્ડર ફાટ્યો 800 મીટર દૂર શ્રમિકની છાતીમાં કરચ ઘૂસી જતાં મોત

Gujarat5/17/2026, 12:00:00 AM
સિલિન્ડર બ્લાસ્ટની ઘટના:કન્ટેનર્સ પાર્ક ફુડ ઝોનમાં ઓક્સિજનનો સિલિન્ડર ફાટ્યો 800 મીટર દૂર શ્રમિકની છાતીમાં કરચ ઘૂસી જતાં મોત
લક્ષ્મીપુરામાં એક સોડાશોપમાં પડેલો સિલિન્ડર બ્લાસ્ટ થતાં તેની કરચો 800 મીટર દૂરના ધાબે કામ કરતાં શ્રમિકની છાતીમાં ઘૂસી જતાં તેનું મોત નિપજ્યું હતું. જવલ્લે જ બનતી આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મૃતકને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. લક્ષ્મીપુરાના ફૂડઝોન કન્ટેનર્સ પાર્કમાં આવેલી એક સોડાશોપમાં સાફ-સફાઇની કામગીરી દરમિયાન 5.5 ફૂટનો 16 કિલોના વજનનો એક સિલિન્ડર બહાર તડકે મૂકવામાં આવ્યો હતો. બહારના 40 ડિગ્રી તાપમાનમાં અચાનક જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે નજીકની એક દીવાલ ધારાશાયી થઇ ગઇ હતી. એટલું જ નહીં તેની કરચો 800 મીટર દૂર આવેલી શ્રીકુંજ સોસાયટીના મકાન નં.બી-46ના ધાબે કામ કરતા એક શ્રમિક રામસ્વરૂપ ગિરિની છાતીમાં ઘૂસી જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઘટના સ્થળે જ ફસડાઇ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવાતા મૃત જાહેર કરાયો હતો. આ ઘટનાની લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મુજબ રામસ્વરૂપ મૂળ યુપીનો છે અને તે વડોદરા નાણાં રળવા આવ્યો હતો. આ ઘટના બની ત્યારે તે પોતાના મિત્ર ધર્મેન્દ્ર ગિરિ પાસેથી કંઇક કામ મળે અને આવક થાય તેવા ઇરાદે આવ્યો હતો. આ અકસ્માતમાં એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. સિલિન્ડરનું યોગ્ય મેન્ટેનન્સ થયું નહિ હોયઃ સેફ્ટી એક્સપર્ટ સિલિન્ડરનું યોગ્ય મેન્ટેનન્સ થયું નહીં હોય, વાલ્વ તૂટ્યો છે જે ઘાતક છે. આવા કિસ્સા ત્યારે જ બને જ્યારે યોગ્ય મેન્ટેનન્સ થયું ન હોય. આવા કિસ્સામાં જો સિલિન્ડર તાપને લીધે ગરમ થાય તો તેનો વાલ્વ તૂટી જ પડે જેથી અંદર 100 બાર્સનું પ્રેશર હોય જે બંદૂકની ગોળીની જેમ ફાટે અને આગળ વધે. મારા મતે આ કિસ્સામાં વાલ્વ તૂટ્યો છે જે ઘાતક સ્થિતિ છે. જો લિકેજ ઝડપથી થાય તો સિલિન્ડર વેગથી ગોળ ગોળ ઘુમવા માંડે અને તે પણ ઘાતક નુકસાન પહોંચાડી શકે. પણ આ ઘટના જવલ્લે જ જોવા મળે તેવી છે. > નીશિત દંડ, સેફ્ટી એક્સપર્ટ. મૃતકનો મિત્ર નીચે બેસીને કામ કરતો હતો એટલે બચી ગયો આ ઘટનામાં રામસ્વરૂપ ધાબા પર ઊભો ઊભો વેલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે બ્લાસ્ટ થયેલા સિલિન્ડરની કરચો ઊડીને આવી અને તેની છાતીમાં ઘૂસી ગઇ હતી. જ્યારે તે સમયે તેનો મિત્ર ધર્મેન્દ્ર બેઠો-બેઠો નટબોલ્ટ ફીટ કરી રહ્યો હતો. તેથી તેના શરીરે પણ કેટલીક કરચો વાગી પણ તેને નહીવત ઇજા જ પહોંચી હતી. રામસ્વરૂપ ગિરિ(મૃતક) બ્લાસ્ટને લીધે એક દીવાલ પણ ધરાશાયી થઇ ગઇ, એફએસએલની તપાસમાં મદદ લેવામાં આવી લક્ષ્મીપુરામાં જવલ્લે જ બને તેવો અકસ્માત બન્યો, નાણા રળવા મિત્ર પાસે પહોંચ્યો અને મોત મળ્યું
Read Original Article →