ગરમાવો:મળસ્કે 4 વાગ્યા સુધી કાર્યાલયો ખુલ્લાં રહ્યાં, છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોની દોડધામ

Gujarat4/12/2026, 12:00:00 AM
ગરમાવો:મળસ્કે 4 વાગ્યા સુધી કાર્યાલયો ખુલ્લાં રહ્યાં, છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોની દોડધામ
પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસમાં મોડી રાતે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાં જ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. બીજી તરફ મોડી રાતથી જ ભાજપ કાર્યાલય પર ઉમેદવારો અને સમર્થકોની ભીડ જામી હતી. દસ્તાવેજોની પૂર્તતા માટે વકીલોની આખી ફોજ ઉતારવામાં આવી હતી અને મોડી રાત સુધી એફિડેવિટ તેમજ મિલકતની વિગતો તૈયાર કરવાની કામગીરી ચાલી હતી. કોંગ્રેસના ઉમેદવારો પણ વિધાનસભા દીઠ એકત્ર થયા હતા અને જરૂરી પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ તેમજ અન્ય કાગળો પૂર્ણ કરવા સરકારી કચેરીઓમાં દોડધામ કરી હતી. શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ-નગારા અને રેલી સ્વરૂપે કચેરીએ પહોંચ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતાં જોરદાર સૂત્રોચ્ચાર થયા હતા, જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. રેલીઓને કારણે શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને નિયંત્રિત કરવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટિકિટ ન મળતાં કાર્યકરોમાં આક્રોશ પક્ષ દ્વારા નામોની જાહેરાત થતાં અનેક વોર્ડમાં ભડકો થોય હતો. સમર્પિત કાર્યકરોની અવગણના થયાના આક્ષેપ સાથે અનેક સ્થળે કાર્યકરોનાં ટોળાં જામ્યાં હતાં. કોંગ્રેસમાં વોર્ડ 1માં પૂર્વ કાઉન્સિલરની ટિકિટ કપાતાં સમર્થકોએ આક્રોશ ઠાલવ્યો હતો. આખી રાત કાર્યાલયમાં અવર-જવર જોવા મળી મિલકતની વિગતો, સોગંદનામા અને પોલીસ ક્લીયરન્સ જેવા જટીલ દસ્તાવેજોમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રાતભર કાર્યાલય ધમધમતું રહ્યું હતું. કેટલાક ઉમેદવારોના દસ્તાવેજો ખૂટતાં તેને લેવા માટે પણ દોડધામ મચી હતી.
Read Original Article →