MS યુનિ.ની લો ફેકલ્ટીમાં LLB સીટ વધારો કરવાની માંગ:NSUIએ લો ફેકલ્ટીમાં આંદોલન કર્યું, સીટ વધારવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી

Gujarat5/26/2026, 1:13:18 PM
MS યુનિ.ની લો ફેકલ્ટીમાં LLB સીટ વધારો કરવાની માંગ:NSUIએ લો ફેકલ્ટીમાં આંદોલન કર્યું, સીટ વધારવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે સરકારી LLB વિભાગમાં સીટોમાં વધારો કરવાની માંગ સાથે આજરોજ NSUI દ્વારા ઉગ્ર રજૂઆત અને આંદોલન કરવામાં આવ્યું હતું. NSUIએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષથી સતત આવેદનપત્રો આપ્યા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. NSUIના આગેવાનોના જણાવ્યા મુજબ, લો ફેકલ્ટીના ડીન દ્વારા હંમેશા શિક્ષકોની અછત અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી દર્શાવી વિદ્યાર્થી સંગઠનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે પણ સીટ વધારો મુદ્દે રજૂઆત કરવામાં આવે છે ત્યારે જગ્યા અને શિક્ષકોની અછતનું કારણ આગળ ધપાવવામાં આવે છે. સરકારી યુનિવર્સિટીમાં સરકારી LLBની સીટોમાં વધારો કરવામાં આવે વિદ્યાર્થી સંગઠને વધુમાં જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે રજૂઆત દરમિયાન ડીન દ્વારા LLB Honours કોર્સ શરૂ કરવાની માહિતી આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી આશરે રૂ. 1.25 લાખ જેટલી ફી લેવામાં આવશે. NSUIએ આ નિર્ણયને વિદ્યાર્થી હિત વિરુદ્ધ ગણાવી પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જો અગાઉ જગ્યા અને શિક્ષકોની અછતનો મુદ્દો હતો તો હવે ઊંચી ફી ધરાવતા નવા કોર્સ માટે જરૂરી વ્યવસ્થા કેવી રીતે ઉપલબ્ધ થઈ રહી છે. NSUIએ સ્પષ્ટ માંગ કરી હતી કે, વિદ્યાર્થી હિત અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સરકારી યુનિવર્સિટીમાં સરકારી LLBની સીટોમાં વધારો કરવામાં આવે. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો સીટ વધારો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં લો ફેકલ્ટી ખાતે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ આંદોલનમાં NSUI પ્રમુખ અમર વાઘેલા, પ્રદેશ મંત્રી સુઝાન, ઉપપ્રમુખ તેજસ રોય, લો ફેકલ્ટી પ્રમુખ મોઈન રાજ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →