બિલાડી માટે કોઈ ગાઈડ-લાઈન નથી:રખડતાં કૂતરાં બાદ નવી ચિંતા, SSGમાં બિલાડી કરડવાના દર મહિને 1 હજાર કેસ
શહેરમાં રખડતા કૂતરાં બાદ બિલાડી કરડવાના વધતા બનાવોએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. સયાજી હોસ્પિટલમાં દર મહિને બિલાડી કરડવાના 1 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં બિલાડી કરડવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણે લોકોને સાવચેત રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, ‘કોઈ પણ પ્રાણી કરડે ત્યારે ઘાને તરત જ સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ સાફ કરવો જોઈએ. ઉપરાંત વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. ઘરગથ્થુ ઉપચાર જીવલેણ સાબિત થઈ શકે છે. સમયસર એન્ટી-રેબિઝ ઇન્જેક્શન લેવું પણ અત્યંત જરૂરી છે.’ આ પ્રકારના સંજોગોમાં બિલાડી કરડી શકે છે સ્વબચાવ કે ડર: બિલાડીને લાગે કે તેના પર હુમલો થવાનો છે અથવા ક્યાંક ફસાઈ ગઈ હોય ત્યારે ડરના લીધે તે કરડે છે. અજાણતા પગ પડી જવો: અંધારામાં કે ચાલતાં-ચાલતાં બિલાડીની પૂંછડી કે પગ પર પગ આવી જાય ત્યારે. બચ્ચાંની સુરક્ષા: જો કોઈ બિલાડીએ બચ્ચાને જન્મ આપ્યો હોય, તો તે અત્યંત આક્રમક બની જાય છે જેથી કોઈ તેના બચ્ચાને નુકસાન ન પહોંચાડે. બીમારી કે ઇજા: જો બિલાડી ઘાયલ હોય અથવા બીમાર હોય અને તમે તેને અડકવાનો પ્રયત્ન કરો તો તે પીડાને કારણે પણ તમને બચકું ભરી શકે છે. બિલાડી માટે કોઈ ગાઈડ-લાઈન નથી કૂતરા માટે દેશમાં ‘એબીસી પ્રોગ્રામ’ ચાલે છે તે રીતે બિલાડી માટે કોઈ ગાઈડ-લાઈન નથી. એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા ગાઈડ-લાઈન જાહેર કરાશે તો તેનો અમલ કરાશે. > ડો. વિજય ચૌહાણ, માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ
Read Original Article →