નવકાર મંત્ર દિવસ ઊજવાયો:નવકાર મંત્ર દિવસની 3 સ્થળે ઉજવણી, 16 હજાર જૈનોએ 17.28 લાખ જાપ કર્યા

Gujarat4/10/2026, 12:23:10 AM
નવકાર મંત્ર દિવસ ઊજવાયો:નવકાર મંત્ર દિવસની 3 સ્થળે ઉજવણી, 16 હજાર જૈનોએ 17.28 લાખ જાપ કર્યા
જિતો દ્વારા વિશ્વ શાંતિના હેતુથી 3 સ્થળે નવકાર મંત્ર દિવસ ઊજવાયો હતો. આ પ્રસંગે આત્મીયધામ, માંજલપુરમાં ગચ્છાધિપતિ પદ્મશ્રી આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી. ત્રણેય સ્થળે મળી 17.28 લાખ જાપ કરાયા હતા. આત્મીય ધામમાં આયોજિત કાર્યક્રમમાં કન્વીનર પ્રશાંત શાહ અને જિતોના પ્રમુખ પોખરાજ દોશીએ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજે માંગલિક વચન ફરમાવ્યા હતા. જ્યારે મોક્ષાનંદજી મહારાજે વલ્લભસૂરી મહારાજનો સંદેશ પાઠવી તમામ જૈનોને એક થવા હાકલ કરી હતી. ​સવારે લાભાર્થી પ્રકાશ શાહ પરિવાર દ્વારા નવકાર કુંભની શોભાયાત્રા કઢાઈ હતી અને સભા સ્થળે કુંભની સ્થાપના કરાઈ હતી. જિતોના વિમલ બોકડિયાએ કહ્યું કે, કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં નવકાર મંત્રનું આયોજન કરાયું હતું. વલ્લભસૂરી સમુદાયના તત્વદર્શન મહારાજે માંગલિક સંભળાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ​ બીજી તરફ સર સયાજીરાવ નગરગૃહમાં આચાર્ય આગમરત્ન મહારાજની નિશ્રામાં જાપ યોજાયા હતા, તેમ શંકર મહેતાએ જણાવ્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે કહ્યું કે, ત્રણેય સ્થળોએ મળી 16 હજારથી વધુ જૈન શ્રાવકો મહાજાપમાં જોડાયા હતા. પદ્મશ્રી એવોર્ડી જૈનાચાર્યનું આગમન ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસુરી મહારાજ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ આચાર્ય છે. તેઓ 1800 કિમી વિહાર કરી પધાર્યા હતા. મંત્રનાં મૂલ્યો વિશે જાગૃતિ લવાશે ​ચૈત્ર સુદ આઠમને નવકાર દિવસ જાહેર કરાયો છે. નવકાર મંત્ર એ માત્ર મંત્ર નથી, પણ પંચ પરમેષ્ઠી ભગવંતોને કરાતું નમસ્કારનું સૂત્ર છે. નવકાર દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં આ મંત્રનાં મૂલ્યો અને તેના પ્રભાવ વિશે જાગૃતિ લાવવાનો છે.
Read Original Article →