નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ:ગેરકાયદે નોંધ પ્રમાણિત કરી સરકારને 1.29 કરોડનું નુકસાન પહોંચાડ્યું, આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ
જમીનના હક્કપત્રક સંબંધિત ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના એક કેસમાં CID ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની સત્તાનો દુરુપયોગ કરવા અને ખાનગી આસામીઓ સાથે સાંઠગાંઠ રચી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના આક્ષેપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2008ના આ જૂના કૌભાંડમાં કાયદાનો સિંકજો કસાતા મહેસૂલી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શું છે સમગ્ર જમીન કૌભાંડ?
પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ (ગાંધીનગર)ની સૂચના તથા પોલીસ અધિક્ષક (વહીવટ)ના માર્ગદર્શન હેઠળ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી મામલતદારે પોતાના સરકારી હોદ્દા અને પાવરનો દુરુપયોગ કરીને અન્ય આરોપીઓ સાથે મિલીભગત કરી હતી. નાંદોદ તાલુકાના બખર ગામના સર્વે નંબર 33, 35, 41 અને 42 અંગેની હક્કપત્રક નોંધ નંબર 504, જે તા. 15 જૂન, 1999થી સત્તાવાર રીતે રદ થઈ ચૂકી હતી, તેને જાદુઈ રીતે ફરી જીવતી કરવામાં આવી હતી. સંબંધિત વ્યક્તિઓ જન્મજાત ખેડૂત ખાતેદાર છે કે નહીં તેની કોઈ પણ પ્રકારની કાયદેસરની ચકાસણી કે ખાતરી કર્યા વિના તત્કાલીન મામલતદાર પખાવાલાએ પ્રવર્તમાન નિયમો અને કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકીને ગત તા. 10 ડિસેમ્બર, 2008ના રોજ હક્કપત્રકની નોંધ નંબર 670ને ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરી દીધી હતી. સરકારી તિજોરીને રૂ. 1.29 કરોડથી વધુનું નુકસાન
મામલતદારના આ એક ગેરકાયદેસરના નિર્ણય અને સહીના કારણે સરકારી તિજોરીને અંદાજે રૂ. 1,29,39,150 નું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાનું સીઆઈડીની તપાસમાં સત્તાવાર રીતે બહાર આવ્યું છે. સરકારી જમીન અને રેકોર્ડ સાથે થયેલી આ ચેડાંની ગંભીરતાને જોતાં આ મામલે વડોદરા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓ પણ રડારમાં
આ ગુનાહિત પ્રકરણમાં પુરાવાઓ એકત્રિત કર્યા બાદ CID ક્રાઇમની ટીમે આરોપી પૂર્વ મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાને ગત તા. 4 જૂન, 2026ના રોજ રાત્રે 11.15 વાગ્યે સત્તાવાર રીતે અટકમાં લઈ લીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી (Inquest/Remand) હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આખું કૌભાંડ માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત નથી. આ સમગ્ર જમીન કૌભાંડમાં મહેસૂલ વિભાગના અન્ય કયા કર્મચારીઓ, વચેટીયાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, તે દિશામાં પણ સીઆઈડી ક્રાઇમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેથી આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
Read Original Article →