કડક કાર્યવાહી:~1.40 કરોડના દારૂના કેસમાં નંદેસરીના તત્કાલિન પીઆઈ એ.એ.વાઘેલા સસ્પેન્ડ

Gujarat5/14/2026, 1:17:11 AM
શહેરના નંદેસરી જીઆઈડીસી નજીક રઢીયાપુરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા 1.40 કરોડના દારૂના દરોડામાં આખરે સ્થાનિક પોલીસની બેદરકારી હોવાનો રિપોર્ટ તૈયાર થયો હતો. આ મામલે તે સમયના નંદેસરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.વાઘેલાને તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે. ડીજીએ આ કડક આદેશ આપતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં મોટાપાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી હતી. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાની પાસે તપાસ રાખી હતી. તપાસ દરમિયાન પીઆઈ એ.એ.વાઘેલાની ગંભીર બેદરકારી હોવાનું જણાયું હતું. આ અંગેનો વિગતવાર તપાસ અહેવાલ ડીજી ડો.કે.એલ.એન રાવ સમક્ષ રજૂ કરાયો હતો. અગાઉ શહેર પોલીસ કમિશનરે પણ આ દરોડા બાદ પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી દીધા હત, પરંતુ તપાસના અંતે ડીજીના આદેશથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રઢીયાપુરા ગામે વિદેશી દારૂ અને બિયરના કટિંગ સમયે ત્રાટકીને ₹43 લાખની કિંમતની 16 હજારથી વધુ બોટલો ઝડપી પાડી હતી. આ દરોડા દરમિયાન દારૂના જથ્થા સહિત વાહનો અને મોબાઈલ મળી કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી પોલીસે મનોજ પાપડ, ધર્મેન્દ્ર ચૌહાણ અને સુનિલ ટેલર સહિત 6 બૂટલેગરોની ધરપકડ કરી હતી. આ દરોડામાં લાલચંદ ઉર્ફે લાલુ સિંધી, સુનિલ અદો અને કાલુ ઉર્ફે ટોપી સહિતના 10 રીઢા બૂટલેગરો ફરાર થઈ ગયા હતા.
Read Original Article →