કામગીરીમાં બેદરકારી બદલ દંડ:ડામરમાં વૃદ્ધ પટકાતાં મ્યુ.કમિશનર વિફર્યા, કોન્ટ્રાક્ટરને 99 હજાર દંડ,ઇજનેરને નોટિસ

Gujarat5/20/2026, 12:00:00 AM
કામગીરીમાં બેદરકારી બદલ દંડ:ડામરમાં વૃદ્ધ પટકાતાં મ્યુ.કમિશનર વિફર્યા, કોન્ટ્રાક્ટરને 99 હજાર દંડ,ઇજનેરને નોટિસ
વાડીમાં રોડ રિસર્ફેસિંગના કામ વખતે થયેલા હંગામા અને બેદરકારી મુદ્દે મ્યુ. કમિશનરે આકરાં પગલાં લીધાં છે. રોડના કામ વખતે સુરક્ષાના ધજાગરા ઉડાડતાં ગરમ ડામરમાં વૃદ્ધ પટકાયા હતા. આ ગંભીર બેદરકારી બદલ કમિશનરે કોન્ટ્રાક્ટર ગાયત્રી કન્સ્ટ્રક્શનને 99,744નો આકરો દંડ ફટકાર્યો છે, જ્યારે સ્થળે હાજર જવાબદાર અધિક મદદનીશ ઈજનેરને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે. વાડી રામચોકથી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર કોર્પોરેશન દ્વારા રોડ રિસર્ફેસિંગનું કામ શરૂ કરાયું હતું. જોકે જૂનો રોડ ખોદ્યા વગર તેની ઉપર નવો રોડ બનાવવાની કોન્ટ્રાક્ટરની ‘શોર્ટકટ’ પદ્ધતિ સામે સ્થાનિકો અને કોંગ્રેસના કાઉન્સિલરોએ વિરોધ કર્યો હતો. વિવાદ એટલો વણસ્યો હતો કે, મામલો શાંત પાડવા પોલીસ બોલાવવી પડી હતી. બીજી તરફ સેફ્ટી બેરિકેડિંગ વગર કામ ચાલુ રખાયું હતું હોવાની ફરિયાદ ઊઠી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા વૃદ્ધ ડામરમાં ફસાઈ રોડ પર પટકાયા હતા. વૃદ્ધના હાથ-ઘૂંટણ પર ગરમ ડામર ચોંટી ગયો હતો. આ અંગે જાણ થતાં મ્યુ. કમિશનર નારાજ થયા હતા. તેમણે ઘટનાને લોકોના જીવ સાથે રમત સમાન ગણાવી તાત્કાલિક કડક પગલાં લેવા આદેશ કર્યો હતો. કડકાઈ} વાડીમાં રોડ રિસર્ફેસિંગની કામગીરી વખતે ઘટના બની હતી
Read Original Article →