'મેં અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, માત્ર સિમ્પલ સાડી પહેરી હતી':વાઇરલ વીડિયો બાદ MSU વિદ્યાર્થિનીની સો.મીડિયા પોસ્ટ, રડતા રડતા કહ્યું- 'બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા છોકરીનો સહારો લીધો'
વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સી.સી.મહેતા ઓડિટોરિયમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત 'સંસ્કાર સંગમ' કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીનો 'ધક ધક' સોન્ગ પરના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે આજે વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા ઉપર બે વીડિયો પોસ્ટ કર્યા કરી માફી માંગી હતી અને અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. વીડિયોમાં રડતા રડતા વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મેં અશ્લીલ કપડાં પહેર્યા નહોતા. માત્ર એક સિમ્પલ સાડી પહેરી હતી અને સ્ટેજ પર મારા આર્ટને રજૂ કરી રહી હતી. મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. હું એક સામાન્ય વિદ્યાર્થિની છું. આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં અનેક સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, NSUI મારો વીડિયો વાઇરલ કરી રહ્યા હતા, ત્યારે તેમને વાંધો નહોતો, પણ જ્યારે આજે મેં મારો પક્ષ રજૂ કર્યો તો તેમણે મારી આઈડી જ સસ્પેન્ડ કરાવી દીધી. આ આખો મામલો NSUIએ ચગાવ્યો હતો. જો કે આ કોઈ અશ્લીલ સોંગ નહીં પણ માત્ર એક ફિલ્મનું સોંગ છે. જેના પર 'બેટા' ફિલ્મમાં માધુરી દીક્ષિત જેવી સુપરસ્ટાર એક્ટ્રેસ ડાન્સ કરી ચૂકી છે. 'હું એક સામાન્ય સાડી પહેરીને મારા આર્ટને રજૂ કરી રહી હતી'
પહેલા વીડિયોમાં યુવતીએ રડતા રડતા કહ્યું હતું કે, જય શ્રી રામ... મેં આ વીડિયો એટલા માટે બનાવ્યો છે. કારણ કે, MSU કલ્ચરલ ફેસ્ટમાં મેં જે ડાન્સ કર્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાઇરલ કરવામાં આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે, મેં વડોદરાની સંસ્કારી નગરીની મર્યાદા ઓળંગી છે અથવા અશ્લીલતા ફેલાવી છે. હું એક સામાન્ય સાડી પહેરીને મારા આર્ટને સ્ટેજ પર રજૂ કરી રહી હતી. 'આ લોકોએ મારી 'મેન્ટલ હેલ્થ' વિશે વિચાર્યું પણ નથી'
હા, કદાચ ગીતની પસંદગીમાં ભૂલ હોઈ શકે, જે બદલ હું માફી માંગું છું. પણ શું આ એટલી મોટી વાત છે કે તેને આટલો મોટો મુદ્દો બનાવવામાં આવે? મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. માત્ર રાજકીય રોટલા શેકવા માટે કે બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા માટે એક છોકરીનો સહારો લેવો કેટલો યોગ્ય છે? આ લોકોએ મારી 'મેન્ટલ હેલ્થ' વિશે વિચાર્યું પણ નથી. 'લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે, દેશમાં બીજા ઘણા ગંભીર મુદ્દા છે'
મારા પર શું વીતતી હશે એ કોઈ નથી સમજી રહ્યું. લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરામાં અને દેશમાં બીજા ઘણા ગંભીર મુદ્દાઓ છે, તેને છોડીને લોકોએ માત્ર મરચું-મસાલો મેળવવા માટે મને નિશાન બનાવી છે. શું આ પહેલા કોઈએ બોલિવૂડ સોંગ પર ડાન્સ નથી કર્યો? તો પછી મારા જ કેસમાં 'સંસ્કાર ભંગ'ની વાતો કેમ કરવામાં આવે છે? 'હું ગીતની પસંદગી માટે માફી માંગું છું'
મારી વિનંતી છે કે, કોઈપણ વીડિયો શેર કરતા પહેલા એ વિચારો કે તે વ્યક્તિ પર શું અસર થશે. મેં કોઈ અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, મેં માત્ર મારી કલા પ્રદર્શિત કરી હતી. મહેરબાની કરીને કોઈના માનસિક સ્વાસ્થ્ય સાથે ન રમો. હું ફરી એકવાર ગીતની પસંદગી માટે માફી માંગું છું, પણ મને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે તે ખોટું છે. 'મેં મારી વાત રજૂ કરી તો મારી આઈડી સસ્પેન્ડ કરાવી દીધી'
યુવતી બીજા વીડિયોમાં કહે છે કે, એક તરફ NSUI વાળા 'મહિલા સશક્તિકરણ'ની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે કોઈ છોકરી પોતાના પર લાગેલા ખોટા આરોપોને સાબિત કરવા માટે પોતાની આઈડી પર કોઈ પોસ્ટ મૂકે છે, ત્યારે તેમનો અસલી ચહેરો સામે આવે છે. તેઓ મારી એ પોસ્ટથી ડરી ગયા. તેમણે પોતાની પૂરી તાકાત લગાવી દીધી અને માસ મીડિયાના સંપર્કોનો ઉપયોગ કરીને મારી આઈડી સસ્પેન્ડ કરાવી દીધી. 'ગઈકાલે મારો વીડિયો વાઇરલ કરવામાં તેમને વાંધો નહોતો'
જો તેઓ સાચા જ હતા, તો તેઓ ડર્યા કેમ? ગઈકાલે જ્યારે તેઓ મારો વીડિયો વાઇરલ કરી રહ્યાં હતાં, ત્યારે તેમને વાંધો નહોતો, પણ જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો તેમણે મારી આઈડી જ બંધ કરાવી દીધી. તેમને માત્ર પોતાનો પ્રોપેગન્ડા અને રાજનીતિ ફેલાવવામાં જ રસ છે. 'તમે સાચા હોવ તો મેદાનમાં આવીને લડો'
એક છોકરીના અવાજને દબાવવા માટે તેની આઈડી સસ્પેન્ડ કરાવવી એ ખૂબ જ નીચું સ્તર છે. જો તમે સાચા હોવ તો મેદાનમાં આવીને લડો, આવી રીતે ડરીને કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો. આ બતાવે છે કે તમે અંદરથી ડરેલા છો. “ધક ધક કરને લગા” સોન્ગ પર યુવતીના ડાન્સનો વીડિયો વાઈરલ
ઉલ્લેખનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીએ ABVPના ત્રિ-દિવસીય 'સંસ્કાર સંગમ' ફેસ્ટ દરમિયાન બોલિવૂડના જાણીતા ગીત “ધક ધક કરને લગા” પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ડાન્સનો વીડિયો વાઇરલ થતા જ લોકોએ તેને યુનિવર્સિટીની ગરિમા અને સંસ્કારી નગરીની ઓળખને લાંછન લગાડનારું ગણાવ્યું છે.
Read Original Article →