ભાસ્કર એક્સક્લુસિવ:MSUની વિદ્યાર્થિનીએ ઓસ્ટ્રેલિયન ઊનથી 6થી 7 ડિગ્રી તાપમાન ઘટે તેવું કાપડ બનાવ્યું

Gujarat4/7/2026, 12:28:11 AM
ભાસ્કર એક્સક્લુસિવ:MSUની વિદ્યાર્થિનીએ ઓસ્ટ્રેલિયન ઊનથી 6થી 7 ડિગ્રી તાપમાન ઘટે તેવું કાપડ બનાવ્યું
મ.સ.યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના ટેક્સ્ટાઇલ એન્જિનિયરિંગ વિભાગના રિસર્ચરે ગરમીમાં ઘટાડો કરે તેવું કાપડ વિકસાવ્યું છે. વિદ્યાર્થિનીએ ઓસ્ટ્રેલિયાના મેરિનો ઊનનો ઉપયોગ કરી 6 થી 7 ડિગ્રી તાપમાન ઘટે તેવું કાપડ તૈયાર કર્યું છે. આ કાપડ થકી બહારનું તાપમાન ગરમ હશે તો પણ શરીરનું તાપમાન જળવાઇ રહેશે. ગરમ અને ભેજવાળા વાતાવરણમાં માણસના શરીરનું તાપમાન જળવાઇ રહે તે પ્રકારનું કાપડ તૈયાર કરવામાં આ વિભાગને સફળતા મળી છે. મોઇશ્ચર મેનેજમેન્ટ કરી શકે તેવું કૂલન્ટ ફ્રેબિક તૈયાર કરાયું છે. ટેક્સ્ટાઇલ એન્જિનિયરિંગ વિભાગના અધ્યાપક ડો.આધાર માંડોતના માર્ગદર્શનમાં પીએચડીની વિદ્યાર્થિની પૂનમ પુરોહિતે ઓસ્ટ્રેલિયાના મેરિનો ઊનથી કાપડ તૈયાર કર્યું છે. રિસર્ચરે જણાવ્યું કે, મેરિનો ઊન માત્ર ઠંડા મહિનામાં ગરમ જ રહેતું નથી, પરંતુ તે ઉનાળામાં શરીરને ઠંડું રાખવાનું કાર્ય પણ કરે છે. કારણ કે, મેરિનો ઊનમાં ઘણા કુદરતી ગુણધર્મો છે, જેમ કે શ્વાસ લેવાની ક્ષમતા, ભેજ વ્યવસ્થાપન અને ગંધ પ્રતિકાર. જે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં ઉત્તમ છે. આ કાપડમાં 3 લેયર છે, પ્રથમ મેરિનો ઊન જે પરસેવાને શોષી લે છે. તેની ઉપર પોલિએસ્ટર છે, જે પરસેવાને તુરંત બાહ્ય સ્તર જે કોટનનું છે ત્યાં મોકલે છે, જેથી પરસેવો હવામાં બાષ્પીભવન થઇ જાય છે. 3 સ્તરનું કાપડ કેવી રીતે કામ કરે છે? બોડી ટેમ્પરેચર 37 ડિગ્રીની ઉપર જાય તો પરસેવો થાય "બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી જળવાતું હોય છે અને તેની ઉપર તાપમાન જાય એટલે પરસેવો નીકળે છે. પરસેવો નીકળે તેનાથી શરીરને ઠંડકનો અનુભવ થાય છે અને બોડી ટેમ્પરેચર જળવાઇ રહે છે. આ કાપડ બોડી ટેમ્પરેચર જાળવી રાખવામાં મદદ કરશે." - ડો.આધાર માંડોત, અધ્યાપક, ટેક્સ્ટાઇલ એન્જિનિયરિંગ વિભાગ
Read Original Article →