નવી શિક્ષણ નીતિ અંતર્ગત ચોથા વર્ષના અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમો શરૂ થશે:MSUની તમામ 9 ફેકલ્ટીમાં પ્રોગ્રામ શરૂ કરાશે, બીજી યુનિવર્સિટીના વિધાર્થીઓને પ્રવેશ નહીં મળે
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) શૈક્ષણિક વર્ષ 2026-27થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ ચોથા વર્ષના અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે 21 મે,2026ના રોજ સાંજે 4 વાગ્યે યુનિવર્સિટીના તમામ ડીન અને પ્રિન્સિપાલોની બેઠકમાં સર્વાનુમતે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર (ડૉ.) ભાલચંદ્ર મહાદેવ ભણગે કરી હતી. ચોથા વર્ષના અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમો શરૂ કરાશે
આ મહત્વપૂર્ણ બેઠકમાં NEP 2020 અમલમાં લાવેલી તમામ નવ ફેકલ્ટીઓમાં ચોથા વર્ષના અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. ઓનર્સ માળખા હેઠળ પ્રવેશ લીધેલા પાત્ર વિદ્યાર્થીઓને ચોથા વર્ષમાં અભ્યાસ ચાલુ રાખવાની તક આપવામાં આવશે. ડિગ્રીનું નામકરણ: બેચલર્સ ડિગ્રી (ઓનર્સ) અને બેચલર્સ ડિગ્રી (ઓનર્સ વિથ રિસર્ચ) રાખવામાં આવ્યું છે. પ્રથમ છ સેમેસ્ટરમાં કુલ 75 ટકા અથવા તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ ઓનર્સ વિથ રિસર્ચનો વિકલ્પ પસંદ કરી શકશે. આ માટે તેમણે મુખ્ય વિષયમાં રિસર્ચ પ્રોજેક્ટ અથવા ડિસર્ટેશન પૂર્ણ કરવું પડશે. ચોથા વર્ષ માટે કુલ 176 ક્રેડિટની આવશ્યકતા રહેશે. બેકલોગ, ATKT, UFM કેસ અથવા અન્ય કોઈ અયોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ નહીં મળે
પ્રવેશ પ્રક્રિયા માટે માત્ર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોતાના વિદ્યાર્થીઓ માટે જ રાખવામાં આવ્યો છે. અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ મળશે નહીં.આ માટે અરજી પ્રક્રિયા 1 જૂન, 2026થી 10 જૂન, 2026 સુધી ચાલશે. પ્રવેશ અને ફી ભરવાની પ્રક્રિયા 11 જૂનથી 15 જૂન, 2026 દરમિયાન રહેશે. સાથે જરૂર પડે તો બીજો રાઉન્ડ 16 જૂનથી 20 જૂન, 2026 સુધી રહેશે. પ્રતીક્ષા યાદીમાંથી પ્રવેશ ૨૦ જૂનથી 25 જૂન, 2026 દરમિયાન આપવામાં આવશે. યુનિવર્સિટીએ તમામ ફેકલ્ટીઓમાં સમાન પ્રવેશ નીતિ અને સમાન નામકરણ અપનાવવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે. આ નિર્ણયથી MSUમાં NEP 2020ના અમલને વધુ મજબૂતી મળશે અને વિદ્યાર્થીઓને અદ્યતન અને સંશોધન આધારિત અભ્યાસની તક પૂરી પાડવામાં આવશે.
Read Original Article →