મહેનત પર પાણી:નીટની પરીક્ષા રદ થતાં વડોદરાના 6 હજારથી વધુ વિદ્યાર્થીઓમાં નિરાશા
દેશની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા ‘નીટ’ રદ થવાથી વડોદરાના વિદ્યાર્થી આલમમાં ભારે રોષ અને હતાશા ફેલાઇ છે. વડોદરાના આશરે 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ જેઓ છેલ્લા બે-ત્રણ વર્ષથી મહેનત કરી રહ્યા હતા, હવે તેમને શું કરવું તેની મુંઝવણમાં પડ્યા છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, પેપર લીક અને ગેરરીતિના કારણે પરીક્ષા રદ કરવી એ અમારા જેવા દિવસ-રાત એક કરીને કલાકો સુધી મહેનત વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. આ પરીક્ષા માટે અમે અવિરત વાંચન અને રિવિઝન પછી નીટ આપી હતી. હવે ફરીથી તૈયારીઓ કરવા ઉજાગરા કરવા એ માનસિક રીતે થાક લાગે તેવું હશે. સંચાલકોનું કહેવું છે કે, જો પરીક્ષા પ્રક્રિયા લંબાય તો આગામી શૈક્ષણિક વર્ષના પ્રવેશ મોડા થશે, જેની અસર એમબીબીએસના પ્રથમ વર્ષના અભ્યાસક્રમ પર પડશે.કેટલાક વિદ્યાર્થીઓના કહેવા મુજબ આ પરીક્ષા કેન્સલ થઇ તો વધારે સારી રીતે તૈયારી કરવાની તક મળી છે. નીટની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા નીટ થયા બાદ વેકેશન માટે સાઉથ ઇન્ડિયા જવાનું નક્કી કર્યું હતું. પણ આ પરીક્ષા રદ થતાં આખો મૂડ ઓફ થઇ ગયો છે. જોકે હું વધુ સારી તૈયારી કરવાનો ઇરાદો રાખુ છું. > અનન્યા ઓરપે. આ પરીક્ષામાં નીટમાં મેં 720માંથી 600 માર્કસ ધાર્યા હતા, મને લાગે છે કે, આ મને નવેસરથી વધુ સારી તૈયારી કરવાની તક મળી છે. મારો સ્કોર સુધરશે. > દેવમ પંચાલ, વાઘોડિયા રોડ. હું બે વર્ષથી તૈયારીઓ કરતી હતી. આ પરીક્ષામાં માર્કસ સારા આવશે એવો વિશ્વાસ હતો. પણ હવે ટેન્શન એ છે કે, બીજી વાર પરીક્ષા આટલી સારી જશે કે કેમ. > હેતા પારેખ, મકરપુરા રોડ. ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે દોષિતોને સજા કરવી જોઈએ
નીટનું કોચિંગ કરતા શિક્ષક વિમલ શાહ કહે છે કે, વિદ્યાર્થીઓ લાંબા સમયથી મહેનત કરી રહ્યાં હતા. હવે તેમનો વાંચવાનો સમયગાળો વધી ગયો હોવાથી તેમને નિરાશા થઇ છે. ફરી પરીક્ષાનો નિર્ણય આવકાર્ય છે. જ્યારે શિક્ષક કેતન પરીખે કહ્યું કે, મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ પર તેની ખૂબ ખરાબ અસર થશે. તેમનો સ્ટ્રેસ સૌથી વધુ હશે. આવી ઘટનાઓ ન થાય તે માટે સરકારે દોષિતોને ઉદાહરણરૂપ સજા કરવી જોઇએ.
Read Original Article →