વડોદરાનો કુખ્યાત બુટલેગર ‘લાલુ સિંધી’ ઝડપાયો:મધ્ય ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘુસાડનાર બુટલેગરની મોડાસા પાસેથી ધરપકડ, દારૂ, હત્યા, ખંડણી, સહિત 80 ગુના નોંધાયેલા છે

Gujarat5/21/2026, 6:35:00 PM
વડોદરાનો કુખ્યાત બુટલેગર ‘લાલુ સિંધી’ ઝડપાયો:મધ્ય ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘુસાડનાર બુટલેગરની મોડાસા પાસેથી ધરપકડ, દારૂ, હત્યા, ખંડણી, સહિત 80 ગુના નોંધાયેલા છે
વડોદરા શહેર તેમજ સમગ્ર મધ્ય ગુજરાતમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવાના આરોપોમાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમનદાસ ખાનાનીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી ગુજસીટોક તથા વિદેશી દારૂના કુલ બે ગુનામાં સંડોવાયેલ હોવા ઉપરાંત લાંબા સમયથી ફરાર થઈ નાસતો ફરતો હતો. વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં તેમજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાના ગુનામાં લાલચંદ ઉર્ફે લાલુ સિંધીનું નામ સામે આવ્યું હતું. બંને ગુનામાં ધરપકડ ટાળવા માટે આરોપી ફરાર થઈ ગયો હતો. જેને શોધી કાઢવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પ્રયાસશીલ હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડાસા પહોંચી હતી. ખાનગી રાહે તપાસ કરતા માહિતી મળી હતી કે, ફરાર આરોપી લાલચંદ ઉર્ફે લાલુ સિંધી તેની કિયા સેલ્ટોસ કારમાં શહેરાથી મોડાસા જવાના માર્ગે માલપુર થઈ પસાર થવાનો છે. જેના આધારે ટીમે માલપુર ખાતે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન માહિતી મુજબની કાર પસાર થતી દેખાતા પોલીસે કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારમાં બેઠેલા વ્યક્તિની ઓળખ લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમનદાસ ખાનાની (ઉ.વ. 48, રહે. રોયલ હાઇટ્સ, ધોબી તળાવ પાસે, વારશિયા, વડોદરા) તરીકે થઈ હતી. પ્રાથમિક પૂછપરછ અને ખાતરી તપાસમાં તે નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુના તથા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ અને ફરાર હોવાનું બહાર આવ્યું હતું. આરોપી વિરુદ્ધ નોંધાયેલા ગુજસીટોકના ગુનાની વધુ તપાસ એફ ડિવિઝનના ACP દ્વારા કરવામાં આવતી હોવાથી આરોપીને વધુ કાર્યવાહી માટે તેમની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી લાલચંદ ઉર્ફે લાલુ સિંધી સામે અગાઉ વિદેશી દારૂ, ખૂન, ખંડણી, મારામારી સહિતના અંદાજે 80 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તે અગાઉ 7 વખત પાસા હેઠળ ગુજરાતની જુદી-જુદી જેલોમાં જઇ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Read Original Article →