કરજણના અભરા ગામે ખાતર ખાલી કરવાના વિવાદમાં ખૂની ખેલ:પાવડાનો ઘા ઝીંકતા આધેડનું મોત; આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અભરા ગામે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ખાતર ખાલી કરવા જેવી સામાન્ય બાબતમાં બે વ્યક્તિ વચ્ચે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં એક શખ્સે પાવડા વડે માથામાં જીવલેણ ફટકો મારતાં આધેડનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક કરજણ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ખાતર ખાલી કરવા બાબતે ઝઘડો થયો હતો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, અભરા ગામે રહેતા સુનીલભાઈ કાભઈભાઈ રાઠોડીયા અને ગણપતભાઈ દેસાઈભાઈ રાઠોડીયા (ઉં.વ. 45) વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ખાતર ખાલી કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય વાતમાં શરૂ થયેલો આ ઝઘડો જોતજોતામાં એટલો વકર્યો કે આરોપી સુનીલભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને તેણે પોતાના હાથમાં રહેલો ખાતર ખાલી કરવાનો પાવડો ગણપતભાઈના માથા પર પૂરા જોશથી ઝીંકી દીધો હતો. માથામાં મરણતોલ ઇજા થતાં હોસ્પિટલમાં દમ તોડ્યો
પાવડાનો આ ભયાનક ફટકો વાગતાં જ ગણપતભાઈ રાઠોડીયા માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક અર્ધમૂર્છિત હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ આખરે સારવાર દરમિયાન ગણપતભાઈનું કરૂણ મોત નીપજ્યું હતું, જેને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસ અને LCBએ ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
આ હિંસક ઘટના અંગે કરજણ પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપી સુનીલભાઈ કાભઈભાઈ રાઠોડીયા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં કરજણ પોલીસ અને વડોદરા એલસીબીની ટીમોએ અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ફરાર થઈ ગયેલા આરોપી સુનીલને ગણતરીના કલાકોમાં જ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →