મેડિક્લેમનું ‘મલ્ટિ’ હોસ્પિટલ કૌભાંડ!:કાના મલ્ટી સ્પેશિયાલિટીએ 2 દર્દીના વીમા ક્લેમ કર્યા, ભાંડો ફૂટી જતાં હોસ્પિટલને તાળાં, સંચાલકો ભૂગર્ભમાં
તાંદલજાની સ્નેહ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલના મેડિક્લેઇમ કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આજવા રોડની કાના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2 દર્દીની સારવાર બતાવી ક્લેઇમ પાસ કરાવવા વીમા કંપનીમાં અરજી કરાઈ હતી. જોકે તે ક્લેઇમ બોગસ હોવાનું વીમા કંપનીની તપાસમાં ખૂલ્યું હતું. બીજી તરફ ભાંડો ફૂટતાં કાના હોસ્પિટલને તાળાં મારીને સંચાલકો ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે બાપોદ પોલીસ તપાસ કરે છે. ફિનિક્સ ઈન્સ્યોરન્સ પ્રા.લિ.ના લીગલ મેનેજર પ્રશાંત પવારે જણાવ્યું કે, આજવા રોડની કાના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2 દર્દીના નામે 2.20 લાખના મેડિક્લેઇમ પાસ કરવા અરજી કરાઈ હતી. બંને દર્દીની સારવાર જે તબીબે કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ હતો, તેમણે ક્યારેક કાના હોસ્પિટલમાં સારવાર કરી જ ન હોવાનું જણાવ્યું હતું. તેમના બોગસ કાગળો તૈયાર કરી ક્લેઇમ રિએમ્બર્સમેન્ટ અરજી કરાઈ છે. તેમણે ઉમેર્યું કે, આ મામલે પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી છે. બીજી તરફ અન્ય ઈન્સ્યોરન્સ કંપની દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, અન્ય દર્દીઓના નામે પણ બોગસ ક્લેઇમ પાસ થયા હોય તે બહાર આવે તેવી શક્યતા છે. સ્નેહ હોસ્પિટલમાં તપાસ ચાલુ
તાંદલજાની સ્નેહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 3 દર્દીના નામે બોગસ ક્લેઇમ પાસ કરવા અંગે જેપી રોડ પોલીસે ગુનો નોંધ્યો હતો. વધુ 4 બોગસ દર્દીઓ સામે આવતાં તેમને પોલીસે તપાસમાં જોડી દીધા છે. આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવશે
આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે.> નરસિમ્હા કોમાર, પો. કમિશનર આરોગ્ય વિભાગે આ પ્રકારના કેસોને ગંભીરતાથી લેવા જોઈએ
પોલીસ અન્ય વીમા એજન્સીને પત્ર લખી માહિતી માગે તો કૌભાંડ બહાર આવી શકે છે. આરોગ્ય વિભાગ પણ આવા કેસને ગંભીરતાથી લે. જે પણ કેસમાં સંડોવાયેલું હોય તેની સામે કાર્યવાહી થાય. - ડૉ.રશ્મીકાંત પટેલ, પ્રમુખ,હેલ્થ ઈન્સ્યોરન્સ રિસ્ક મેનેજમેન્ટ એસો. બંને દર્દીની બીજી હોસ્પિટલમાં કેશલેસમાં સારવાર થઈ શકતી હતી, છતાં રિએમ્બર્સમેન્ટ કરાયું અને શંકા ગઈ
ફિનિક્સ ઈન્સ્યોરન્સ કંપનીનાં સૂત્રોએ કહ્યું હતું કે, બંને દર્દીને પાઇલ્સની સારવાર માટે અન્ય હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મળી શકે તેમ હતી. જોકે તેમણે કાના હોસ્પિટલમાં મોટી રકમ ચૂકવીને રિએમ્બર્સમેન્ટ કરાવવા અરજી કરી છે. હોસ્પિટલ અગાઉથી જ શંકામાં હતી. બીજી બાજુ દર્દી કુલદીપસિંહ રાણાનું સરનામું સુરેન્દ્રનગરનું છે, જ્યારે તેમણે વડોદરા સારવાર કરાવી. આ મુદ્દા પર ઈન્સ્યોરન્સ કંપનીને શંકા જતાં તપાસ કરાવાઈ હતી. કાના હોસ્પિટલના બોર્ડ પર ડૉ.અવિનાશ શર્માનું નામ હતું. જોકે આ મામલે તેમણે કહ્યું હતું કે, હું છેલ્લાં દોઢ વર્ષ ઉપરાંતથી હોસ્પિટલ સાથે સંકળાયેલો નથી.
બે દર્દીના નામે પાઇલ્સની સારવાર, રૂા.2.20 લાખ મેળવવા માટે અરજી દર્દી-1 : લક્ષ્મીબેન વાઘેલા, ડિસેમ્બર મહિનામાં ચાર દિવસ પાઇલ્સની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ બતાવાયાં, તેમના નામે રૂા.1.10 લાખ મેળવવા માટે અરજી કરાઈ. દર્દી-2 : કુલદીપસિંહ રાણા, જાન્યુઆરી મહિનામાં ચાર દિવસ પાઇલ્સની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ બતાવાયા, તેમના નામે પણ રૂા.1.10 લાખ મેળવવા અરજી કરાઈ.
Read Original Article →