વરસાદ વગર ગરનાળામાં પાણી ભરાયા:જેતલપુર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન, લોકોએ કહ્યું વરસાદ તો પડ્યો નથી તો આ પાણી કેવી રીતે આવ્યું?
વડોદરા શહેરના જેતલપુર ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ગરનાળામાંથી પસાર થતી લોકોએ મુશ્કેલી વેઠવી પડી હતી. ચોમાસા વગર જ પાણી ભરાઈ જતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
જેતલપુર ગરનાળામાંથી રોજેરોજ હજારો વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે પરંતુ અનેકવાર અહીં ગટરના પાણી ઉભરાઈ જવાના કારણે ગરનાળુ પાણીથી ભરાઈ જાય છે. છેલ્લા ઘણા સમયથી સમયાંતરે આવી સ્થિતિ સર્જાય છે જે અંગે કોર્પોરેશનની રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ તેનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વગર વરસાદે પાણી ભરાઈ ગયા
ગરનાળા પાસે નાનો વેપાર કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે, હાલમાં વરસાદ નથી પડી રહ્યો તેમ છતાં વગર વરસાદે અહીં પાણી ભરાઈ ગયા છે. તો વરસાદ પડશે ત્યારે કેવી હાલત થશે? અમે અહીં ધંધો કરીએ છે અને ક્યારેક આ પાણી અસહ્ય દુર્ગંધ મારે છે. અનેકવાર અમે રજૂઆત કરી છે છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાઈ તો નવાઈ નહીં. એક સ્થાનિક રાહદારીએ જણાવ્યું હતું કે, અવારનવાર અહીં પાણી ભરાઈ જાય છે જેના કારણે ગરનાળુ પસાર કરવામાં ભારે તકલીફ પડે છે. આવતા જતા કપડા પણ ગંદા થઈ જાય છે. ક્યારેક વાહનો પસાર થાય તો છાંટા ઉડે છે. કોર્પોરેશને આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ તેવી અમારી માંગ છે. અમારે રોજ અહીંથી પસાર થવાની હોય છે અને અવારનવાર આ સમસ્યા સર્જાઈ રહી છે. કોર્પોરેશન પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરે છે પણ અહીંની સ્થિતિ જોતાં એમ લાગતું નથી કે કામગીરી યોગ્ય થઈ હોય.
Read Original Article →