પાર્લામેન્ટરી બોર્ડની ધારાસભ્યોને તાકીદ:‘તમારી યાદીમાંથી નામ આવે તે જરૂરી નથી ગુપ્તતા રાખજો નહીં તો તે પણ કપાઈ જશે’

Gujarat4/10/2026, 12:10:58 AM
પાર્લામેન્ટરી બોર્ડની ધારાસભ્યોને તાકીદ:‘તમારી યાદીમાંથી નામ આવે તે જરૂરી નથી ગુપ્તતા રાખજો નહીં તો તે પણ કપાઈ જશે’
ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના દાવેદારોની ચર્ચા કરી અંતિમ યાદી તૈયાર કરાઇ છે. જે યાદી શુક્રવારે સવારે જાહેર કરાશે. બોર્ડની બેઠકમાં પ્રદેશ મોવડી તરફથી ધારાસભ્યોને સ્પષ્ટ સૂચના અપાઇ છે કે, તમે આપેલી યાદીમાંથી નામ આવે તે જરૂરી નથી, પણ ગુપ્તતા જાળવજો. યાદી જાહેર થવાની દિવસભર ચાલેલી ચર્ચા પર સાંજે પૂર્ણવિરામ મુકાયું હતું. ગાંધીનગરમાં સવારથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિત પાલિકાના દાવેદારોની યાદી પર ચર્ચા થઈ હતી. જેમાં સાંસદ, મંત્રી, વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્યો અને નિરીક્ષકોની હાજરી હતી. બપોરે 1 વાગે શરૂ થયેલી બેઠક દોઢ કલાક ચાલી હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બેઠકમાં હાજર ધારાસભ્યોને ગુપ્તતા જાળવવા સ્પષ્ટ સૂચના આપી હતી. આધારભૂત સૂત્રો મુજબ ધારાસભ્યોને કહેવાયું છે કે, તમે જે યાદી મૂકી છે તેમાંથી નામ આવે પણ ખરા કે ના પણ આવે. માહિતી લીક થશે તો નામ કપાઈ શકે તેવી ગર્ભિત ચીમકી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવારોનાં ફોર્મ ભરવા ભાજપમાં 10 નોટરી-10 ટાઇપિસ્ટ સહિત 50 વકીલોની ફોજ તૈયાર ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ફોર્મ ભરવા દોડાદોડ થાય છે. ભાજપે ઉમેદવારોના ફોર્મ ભરવા વકીલોની ફોજ તૈયાર કરી છે. ધારાશાસ્ત્રી નેહલ સુતરિયાએ કહ્યું કે, ફોર્મ ભરવા શુક્રવારે કાર્યાલયમાં 50થી વધુ વકીલોની ફોજ તૈયાર છે. 10 નોટરી, 10 ટાઇપિસ્ટ, બેથી ત્રણ સ્ટેમ્પ વેન્ડર તૈયાર રખાયા છે. અંદાજ મુજબ 1 ફોર્મ ભરી અને તેને પૂર્ણ કરી રવાના કરતાં 30 મિનિટથી એક કલાકનો સમય થાય છે. બળવાખોરી ડામવા ભાજપ-કોંગ્રેસે ગુરુવારે યાદી જાહેર ન કરી! જાણકારોના મતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ગુરુવારે સાંજે યાદી જાહેર કરે તેવી શક્યતા હતી. જોકે યાદી જાહેર થાય તો જેમનાં નામ કપાયાં છે તેઓ અપક્ષ ઉમેદવારી કરી શકે તેવી શક્યતાઓ હતી. બળવાખોરીને ખાળવા માટે બંને પક્ષે યાદી જાહેર કરી નથી. બીજી તરફ ભાજપમાં 4 વોર્ડમાં કોકડું ગૂંચવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘરમાં શૌચાલય હોવાના દાખલા માટે લાઈનો લાગી ફોર્મ ભરવા માટે ઘરનો વેરો ભરેલો હોય તેની પાવતી, શૌચાલયનો દાખલો અને સોગંદનામાની જરૂર પડે છે. જેથી 19 વોર્ડમાં શૌચાલયનો દાખલો લેવા દાવેદારોની લાંબી લાઈનો લાગી હતી. ચૂંટણી શાખામાંથી મતદાર યાદીમાં હોવા અંગેનાં 1500 પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યા છે. કાઉન્સિલરે દિવસભર એકબીજાને ફોન કર્યા, તમને કોઈ કોલ આવ્યો? પ્રદેશમાંથી ફોન આવ્યાનાં પડીકાં સવારથી વહેતાં થયાં હતાં. પશ્ચિમ વિસ્તારના વોર્ડ પ્રમુખને તૈયારી કરવા કહ્યું હોવાની વાતો વહેતી થઈ હતી. જ્યારે દક્ષિણ વિસ્તારના પૂર્વ કાઉન્સિલરે દસ્તાવેજોની તૈયારી શરૂ કરતાં અન્યના ફોન ગયા હતા. સુરેન્દ્રનગર-અરવલ્લીની યાદી જાહેર થતાં દાવેદારોમાં ઉત્સુકતા વધી ગઈ યાદી માટે ઉમેદવારોમાં આતુરતા જોવા મળી હતી. સાંજે સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં યાદી જાહેર થતાં શહેરના પૂર્વ કાઉન્સિલરો અને દાવેદારોએ યાદી માટે પ્રદેશ અને શહેરના નેતાઓને ફોન કરી પૃચ્છા કરી કે, યાદી જાહેર થઈ ગઈ?
Read Original Article →