'હવે પછી ફોન કરીશ તો જાનથી મારી નાખીશ':પરસ્ત્રી સાથે ફોન પર વાત કરતા બાબતે પત્નીએ પત્નીએ પૂછતા પતિ ઉશ્કેરાયો, કહ્યુ: 'તારે રહેવું હોય તો બધું સહન કરવું પડશે, નહીં તો જતી રહે'
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજની માંગણી, માનસિક તથા શારીરિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ પરસ્ત્રી સાથે ફોન પર વાત કરતા બાબતે પત્નીએ પત્નીએ પૂછતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, 'તારે રહેવું હોય તો બધું સહન કરવું પડશે, નહીં તો ઘર છોડી જા'. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતી 35 યુવતીએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન વર્ષ 2015માં સ્મિત સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ પતિ, સાસુ અને સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નજીવનના શરૂઆતના વર્ષો સુખમય રહ્યા હતા અને વર્ષ 2018માં દંપતીને પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ 2021માં પતિના વર્તનમાં ફેરફાર આવી ગયો હતો. પતિ વારંવાર 'તારા પિતાએ દહેજમાં પૂરતા દાગીના અને રૂપિયા આપ્યા નથી' કહી મેણાં-ટોણાં મારતા અને વધુ દહેજ લાવવાની માંગણી કરતા હતા. સાસુ અને સસરા પણ પરિણીતાને ઘરના તમામ કામ કરાવી કામવાળી બાઈ સમાન વર્તન કરતા હતા. સાસરીયાઓ દ્વારા વારંવાર રૂપિયા અને દાગીનાની માંગણી કરવામાં આવતી હતી. દરમિયાન પતિ અન્ય એક સ્ત્રી સાથે ફોન પર વાતચીત કરતા હોવાની બાબતે પત્નીએ પૂછપરછ કરતાં તેઓ ઉશ્કેરાઈને ગાળો બોલી હતી અમે કહ્યું હતું કે, ' તારે આવું કશું પૂછવાનું નહીં, તારે રહેવું હોય તો બધું સહન કરવું પડશે, નહીં તો ઘર છોડી જા'. પતિ સાથે સંયુક્ત નામે શરણમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદવામાં આવ્યો હતો. બાદમાં રિલીફ કોલોની સ્થિત જૂના મકાનનું રિનોવેશન ચાલતું હોવાથી પરિવાર નવા ફ્લેટમાં રહેવા ગયો હતો. તેમ છતાં દહેજની માંગણી અને ત્રાસ યથાવત રહ્યો હતો. મહિલાનો આક્ષેપ છે કે તેમને ઘરખર્ચ માટે પૂરતા પૈસા આપવામાં આવતા નહોતા અને “પૈસા આપશે તો જ રાખીશું” કહી વારંવાર અપમાનિત કરવામાં આવતી હતી. યુવતી હાલ પોતાની પુત્રી સાથે અલગ રહે છે. મહિલાની માલિકીની કાર પણ હાલ પતિના કબજામાં હોવાનું અને વારંવાર માંગવા છતાં પરત આપી નથી. મહિલાએ પતિને ફોન કરતાં તેઓ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતા અને “હવે પછી ફોન કરીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપતા હતા. સતત દહેજની માંગણી, માનસિક અને શારીરિક ત્રાસ, અપમાનજનક વર્તન તેમજ ધમકીઓથી કંટાળી મહિલાએ આખરે પતિ સ્મિત નિમેષકુમાર સોની, સાસુ ઉષાબેન સોની અને સસરા નિમેષકુમાર સોની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →